ગાંધીનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક IAS અધિકારીની પત્નીએ તેના ઘરની સામે ઝેર પી લીધું હતું, જેના કારણે તેનું મોત થયું છે. આ મહિલાનું મામાનું ઘર તમિલનાડુમાં છે અને કહેવાય છે કે, તે ત્યાંથી એક ગેંગસ્ટર સાથે ભાગી ગઈ હતી. સૂર્યા એક બાળકના અપહરણના કેસમાં પણ સંડોવાયેલી હતી.
IAS રણજીત કુમાર ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન (GERC) ના સચિવ છે. તેનો તેની પત્ની 45 વર્ષીય સૂર્યા જે સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી અણબનાવ ચાલી રહ્યો હતો. તેણે તેના કર્મચારીઓને સૂચના આપી હતી કે, સૂર્યાને તેના ઘરમાં પ્રવેશવા ન દેવી. આવી સ્થિતિમાં જ્યારે સૂર્યા શનિવારે સવારે ઘરે પહોંચી તો ગાર્ડે તેને ગેટ પર જ રોકી દીધી હતી. સૂર્યાએ અંદર જવા માટે ઘણી વિનંતી કરી, પરંતુ જ્યારે અંદર ન જવા દેતા તો તેણે બંગલાના દરવાજે ઝેર પી લીધું હતું. આ પછી, તેને તાકીદે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું રવિવારે મૃત્યુ થયું હતું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘IAS રણજીત કુમાર શનિવારે સૂર્યા સાથે છૂટાછેડાની અરજીને અંતિમ સ્વરૂપ આપવા માટે બહાર ગયા હતા. જ્યારે તેને અંદર જવા દેવામાં આવી ન હતી, ત્યારે સૂર્યાએ ઝેર પી લીધું હતું.’
ગાંધીનગર એસપી રવિ તેજા વસમસેટ્ટીએ જણાવ્યું હતું કે, પોલીસને તમિલમાં કથિત સુસાઈડ નોટ મળી છે, જોકે તેણે આ ક્ષણે તેના વિશે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મદુરાઈ અપહરણ કેસમાં તમિલનાડુ પોલીસ દ્વારા ધરપકડ ટાળવા માટે સૂર્યા તેના પતિના ઘરે ગઈ હશે.
જણાવી દઈએ કે, સૂર્યાનું નામ 14 વર્ષના છોકરાના અપહરણના કેસમાં સામે આવ્યું હતું. આ કેસમાં તેનો કથિત પ્રેમી અને ‘હાઇકોર્ટ મહારાજ’ તરીકે ઓળખાતા સ્થાનિક ગેંગસ્ટર અને તેના સહયોગી સેંથિલ કુમાર સામેલ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકની માતા સાથે પૈસાના વિવાદમાં તેઓએ 11 જુલાઈના રોજ છોકરાનું અપહરણ કર્યું હતું. તેઓએ તેની માતા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ મદુરાઈ પોલીસે છોકરાને બચાવી લીધો હતો. આ પછી પોલીસે સૂર્યા સહિત તમામ આરોપીઓની શોધ શરૂ કરી હતી.
આ મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, સૂર્યા લગભગ નવ મહિના પહેલા ‘હાઈકોર્ટ મહારાજ’ સાથે ભાગી ગઈ હતી. એસપી વાસમસેટ્ટીએ અપહરણનો કેસ કારણભૂત ગણાવ્યો છે. તેણે કહ્યું કે, ‘મને સમાચારથી ખબર પડી કે, સૂર્યા પર મદુરાઈમાં અપહરણનો આરોપ છે, જેના કારણે તેણે આ ભયંકર પગલું ભર્યું હશે.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590