Latest News

આ વર્ષના બજેટમાં સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય

Proud Tapi 28 Feb, 2024 10:54 AM ગુજરાત

રાજ્યમાં હવે કુલ ૧૭ મહાનગરપાલિકાઓ થશે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસ દ્વારા ઈઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા સાથે વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના આ નિર્ણયની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, અખંડ ભારતના શિલ્પી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદની નગરપાલિકાને પણ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવશે.

મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના આ નિર્ણયની વિગતો આપતાં નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, પોરબંદર-છાયા શહેર દરિયાકિનારે આવેલ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતું શહેર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ તથા રાજ્ય ધોરીમાર્ગોથી દેશ તથા રાજ્યના મોટા શહેરો સાથે પોરબંદર જોડાયેલું છે. પોરબંદર દરિયાકિનારે આવેલું હોઇ, ટુરિઝમ ક્ષેત્રે તથા પવન ઊર્જા અને સૌર ઊર્જા જેવા ગ્રીન એનર્જીના ક્ષેત્રે વિકાસ થવાની વિપુલ તકો ધરાવે છે. 

તે જ રીતે નડિયાદ શહેર પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એક્સપ્રેસ હાઇવે તથા રાજ્ય ધોરીમાર્ગથી અન્ય મોટા શહેરો સાથે જોડાયેલું છે. નડિયાદ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ પર આવેલું શહેર છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવતા આ બન્ને નગરો પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં બન્ને શહેરોને આધુનિક માળખાગત સુવિધાયુક્ત બહુઆયામી મહાનગરપાલિકાઓ તરીકે વિકાસ પામવાની ઉજ્જવળ તકો પ્રાપ્ત થશે એમ નાણાંમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે અને અંદાજે ૫૦ ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. ૨૦૪૭ સુધીમાં આ ટકાવારી વધીને ૭૫ ટકા સુધી પહોંચશે તેવું અનુમાન છે. વધતા શહેરીકરણ સાથે શહેરોમાં રોજીરોટી, ધંધા-રોજગાર, વ્યવસાય માટે વસતા લોકોને શહેરી સુખાકારીના કામો ત્વરાએ મળી રહે તથા ઇઝ ઓફ લિવિંગ વધે તેવા અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની મહત્વપૂર્ણ જાહેરાત આ વર્ષના બજેટમાં કરેલી છે.

હવે, સુઆયોજિત શહેરી વ્યવસ્થાપનની નેમ સાથે પોરબંદર-છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા એમ વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં આના પરિણામે હવે આગાઉની ૮ મહાનગરપાલિકા ઉપરાંત ૯ નવી મહાનગરપાલિકાઓ ઉમેરાતાં રાજ્યમાં કુલ ૧૭ મહાનગરપાલિકાઓ થશે તથા નગર સુખાકારીના કામોને વધુ વેગ અને નવી દિશા મળતા થશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post