Latest News

ખોટા ડેથ સર્ટિ રજૂ કરી પોલીસીની રકમ ઉપાડતી આંતરરાજ્‍ય ગેંગનો પર્દાફાશ, જાણો વધુ વિગતો

Proud Tapi 01 Nov, 2023 10:16 AM ગુજરાત

બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી  પોલિસીની રકમ ઉપાડતી આતંરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદના હરિભાઈ પટેલનું બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી આંતર રાજ્‍ય ગેંગ દ્વારા 15  લાખથી વધુ રકમ ઉપાડવા ના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. બિરલા સન લાઇફ માં 25 લાખની અને પાકતી મુદતે આ પોલિસી 35 લાખની થાય તે રીતે ઉતારવામાં આવી હતી. ફરિયાદી દ્વારા ગમે તે કારણે પોલીસી બંધ કરવા નિર્ણય કરી, અમદાવાદના મણીનગર વિસ્‍તારમાં આવેલ ઓફિસ પર પૂછપરછ કરવા જતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ફરિયાદીના નામનું ડેથ સર્ટીફીકેટ રજુ કરી તેમાં પત્‍ની શિલાબેન પટેલને નોમીની દર્શાવી મહિન્‍દ્રા કોટક બેંક નરોડા શાખામાં બનાવટી ખાતું ખોલી રકમ ઉપાડી લેવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્‍યુ હતુ કે, સૂત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ આ બાબતે ફરિયાદી દ્વારા અરજીઓ કરવામાં આવેલ પરંતુ ઓફિસ મુંબઈ હોય કોઈ અસરકારક પરિણામ આવ્યું નહોતું.

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક  દ્વારા પ્રજા પોલીસ પાસે ખૂબ અપેક્ષા સાથે આવે છે, મુસીબતમાં મુકાયેલ નિદોર્ષ વ્‍યક્‍તિને ગમે તેવા વ્‍યસ્‍ત શેડ્‍યુલ વચ્‍ચે સાંભળી તેમની ફરીયાદ નિકાલ કરવાની નીતિ રાખી તમામ અધિકારીઓને આ નીતિ મુજબ ચાલવા અવારનવાર સૂચના આપેલ છે.  સેકટર વડા બ્રજેશ ઝા, ડીસીપી રવિ સૈની અને એસીપી પ્રદીપસિંહ જાડેજા અને મણીનગર પીઆઇ દીપક ઉનડકટ પણ પ્રજાલક્ષી અભિગમવાળા હોવાથી તપાસ વ્‍યવસ્‍થિત રીતે કરવા રણનીતિ બનાવી.આ પહેલા ફરિયાદી ડીસીપી રવિ સૈની ને મળી તેમને તાત્કાલિક એસીપી પ્રદીપસિંહ જાડેજા પાસે મોકલતા જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણીનગર પોલીસ સ્‍ટેશનનાં પીઆઇ ડી. પી. ઉનડકટ તથા સ્‍ટાફ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. બેંક એકાઉન્‍ટ ખોલાવવા સમયે આપવામાં આવેલ દસ્‍તાવેજ અને વિમા કંપનીમાં ઇ-મેલ તેમજ મોબાઇલ ફોન આધારે ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા, આ ગુન્‍હામાં કુબેરનગર અમદાવાદ ખાતે રહેતા આરોપી ચિરાગ ગણેશભાઇ પરમાર સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેની પૂછપરછ કરવામાં આવતા આરોપી ચિરાગ પરમાર દ્વારા આ કેસમાં તમામ વિગતો સત્ય મળી આવી હતી.  આ ગુન્‍હામાં પોતે પોતાના સંબંધીઓનાં નામે સિમ કાર્ડ મેળવી, કુબેરનગર ખાતે જ રહેતા રાજેશ વ્રજલાલ રાઠોડનાં કહેવાથી ઉજજૈન મધ્‍ય પ્રદેશના સુનિલ શ્રીવાસ્‍તવ નામના આરોપીને આપવામાં આવેલ હતાં.

આરોપી સુનિલ શ્રીવાસ્‍તવનાં કહેવાથી રામચંદ્ર હરીલાલ પટેલનું ડેથ સર્ટિફિકેટ આરોપી રાજેશ રાઠોડ દ્વારા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે થી આરોપીઓ ફારૂક મિરઝા અને રોહિત સોલંકી દ્વારા મેળવી હોવાની કબુલાત કરવામાં આવી હતી. આ ગુન્‍હામાં મુખ્‍ય આરોપી રજનીકાંત પ્રસાદ મુળ જયપુરનો રહેવાસી છે અને તે ઉજ્જૈન ના રહેવાસી આરોપી સુનીલ શ્રીવાસ્તવના સંપર્કમાં હોવાની પણ કબુલાત કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ કરવામાં આવતા ડુપ્‍લીકેટ ડેથ સર્ટીફીકેટ આધારે વિમા પોલીસી મેળવી છેતરપીંડી કરતી આ ગેંગ દ્વારા 2021 માં ક્રાઇમ બ્રાન્‍ચ ખાતે પણ એક ગુન્‍હો નોંધાયેલ હોઇ આરોપી સુનીલ શ્રીવાસ્‍તવ કોર્ટ મુદતે આવતો હોવાની જાણકારી મળતા આરોપી સુનીલ શંકર સ્‍વરૂપ શ્રીવાસ્‍તવ ઉ.વ. 52 રહે કેશવનગર, ઉજજૈન મધ્‍યપ્રદેશને પકડી પાડી તેની ધરપકડ કરી હતી. આ ગુન્‍હાના કામે અમદાવાદ કુબેરનગર ખાતે રહેતા આરોપીઓ ચિરાગ ગણેશ પરમાર અને રાજેશ વ્રજલાલ રાઠોડની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post