Latest News

નર્મદા: વ્યાજનું ચક્રવૃતિ વ્યાજ લીધું છતાં વ્યાજખોરો ધરાયા નહિ અંતે ફરિયાદ નોંધાઈ

Proud Tapi 29 Jun, 2023 02:11 PM ગુજરાત

વહાબ શેખ, નર્મદા  : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામે વ્યાજે આપેલા 8 લાખ રૂપિયાના વ્યાજનું  ચક્ર વૃત્તિ વ્યાજ ગણી 17 લાખની પઠાણી ઉઘરાણી કરી આરોપી બાપ દીકરાએ ફરિયાદનું મકાન લખાવી લીધા બાદ પણ મકાનની બાજુમાં આવેલ દુકાન પડાવી લેવા જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં સનસનાટી મચી જવા પામી છે. 

રાજપીપળા શહેર સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી આવેલ આર્થિક મંદીના કારણે વ્યાજખોરો દ્વારા ચક્રવૃતિ વ્યાજે રૂપિયા આર્થિક રીતે નબળા પડેલ લોકોને આપી મૂળ રકમ કરતા ચાર ગણી રકમ પડાવી લઈ  તેમની જંગમ અને સ્થાવર મિલકત પડાવી લેવાના કારસા થયા હોવાની અનેક ફરિયાદો અને વાતો લોકોમાં ચર્ચાઇ હતી, ત્યારે નર્મદા જિલ્લામાં પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ પંથકમાં બેફામ બનેલા વ્યાજખોરો સામે લાલ આંખ કરવા તમામ થાણા અમલદારોને સૂચનો કરાયા બાદ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો દ્વારા હવે એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે.

ત્યારે રાજપીપળા પોલીસ મથકમાં દાખલ ફરિયાદ મુજબ ફરિયાદી જયંતીભાઈ જેસંગભાઈ પટેલને તેમના ભાઈ રાજેશભાઈ ની પત્ની ની સારવાર માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં ફરીયાદી એ આરોપી કંચનભાઈ મુળજીભાઈ પટેલ રહે.માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા નાઓ પાસેથી  માસિક ૩% ના વ્યાજે વર્ષ-૨૦૧૮ માં રૂ.૮,૦૦,૦૦૦/- ( આઠ લાખ) લીધા હતા જે રકમના વ્યાજ પેટે ફરિયાદી રૂ. ૨૪,૦૦૦/- આરોપીને દર મહિને ચુકવતા હતા.

ત્યારે કોરોના મહામારી દરમિયાન  લોકડાઉનમાં વ્યાજની ચુકવણી ન થતાં કંચનભાઈ મુળજીભાઈ પટેલ અને રાકેશભાઈ કંચનભાઈ પટેલ બંને આરોપી બાપ-દીકરાએ મુદ્દલ આઠ લાખ અને વ્યાજ નું પણ ચક્રવૃતિ વ્યાજ ગણી રૂ.૧૭,૦૦,૦૦૦/- ( સત્તર લાખ) ની ફરીયાદી પાસે પઠાણી ઉઘરાણી ચાલુ કરી હતી, અને પૈસાની સગવડ ન થતાં ફરીયાદીને જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ આપી માંગરોલ ગામે ફરીયાદી જયંતીભાઈ જેસંગભાઈ પટેલ ના વડીલો પાર્જીત ઘર કંચનભાઈ મુળજીભાઈ પટેલે તેમના આરોપી પુત્ર રાકેશભાઈ કંચનભાઈ પટેલના નામે કરાવી લીધા બાદ  મકાનની બાજુમાં આવેલ તેમની ચા-નાસ્તાની દુકાન પણ ખાલી કરાવવા માટે આરોપીએ વારંવાર ફરીયાદીને દબાણ આપતા રાજપીપળા પોલીસ મથકમાં આરોપી પીતા પુત્ર વિરુદ્ધ  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post