લોકસભાની સામાન્ય ચૂંટણી, ર૦૨૪ની જાહેરાત થતાં જ તા.૧૬/૩/૨૦૨૪ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ડાંગ જિલ્લામાં પણ ૨૬-લોકસભા બેઠક માટેનું મતદાન તા.૭/૫/ર૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લાના વિશ્રામ ગૃહ,ડાક બંગલા,સરકારી રહેણાંક વિગેરના વપરાશ બાબતે નિયંત્રણ રાખવાની કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે.
જે મુજબ ડાંગ જિલ્લાના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી ઉપલબ્ધ જોગવાઈઓ અન્વયે, એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબનો હુકમ કરવામાં આવ્યો છે.
(૧) વિશ્રામગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાધિકારી પક્ષના સભ્યો કે ઉમેદવારો,એકહથ્થુ અધિકારો ભોગવશે નહીં, અને આવા રહેણાંકના ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે.પરંતુ કોઇ પણ પક્ષ કે ઉમેદવારો, આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણાં) નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં. સરકારી વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ (Casual Meeting) ને પણ મંજૂરી આપી શકાશે નહીં.
(૨) ચૂંટણી પ્રચારમાં આવેલાં જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં હોય, તે મહાનુભાવોને લાવતા-લઇ જતાં વાહનને જ, સરકારી વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરેના કંપાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે. જો તેઓ આ માટે એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતાં હોય તો તેઓ બે થી વધારે વાહનોને વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરેના કંપાઉન્ડમાં રાખી શકાશે નહીં.
(૩) કોઈ એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં. તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતાં કોઇ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાં વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.
(૪) જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષા (Z Category) ની કે જે તે રાજ્યના કાયદાની જોગવાઇ અનુસાર, સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલી હોય તેમને રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિશ્રામ ગૃહ/અતિથિગૃહ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જાહેર સાહસોના વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે. પરંતુ, ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અથવા નિરીક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે.
(૫) જો કે રાજકીય પદાધિકારીઓ વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઇ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામું તારીખ ૧૬/૩/૨૦૨૪ થી તારીખ ૧૪/૬/૨૦૨૪ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590