સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી અલગ અલગ રાજ્યના શિક્ષણ બોર્ડ સહિત યુનિવર્સિટીઓની 137 જેટલી નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી મળી આવવાના કૌભાંડમાં પોલીસે સેલવાસ અને સરથાણા ખાતેથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ એજન્ટ તરીકેની ભૂમિકા ભજવતા હતા. જે બંને આરોપીઓ દસ હજારથી લઈ રૂપિયા એક લાખ સુધીમાં નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રીઓ બનાવી આપતા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. જે આરોપીઓના ત્યાંથી લેપટોપ કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે લઈ ઊંડાણપૂર્વકની પુછપરછ સિંગણપોર પોલીસ દ્વારા હાથ ધરી છે.
બે દિવસ અગાઉ સુરતના કતારગામ વિસ્તારમાંથી સિંગણપોર પોલીસ દ્વારા નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રીઓ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. યસ એજ્યુકેશન એકેડમીના સંચાલક નિલેશ સાવલિયાની પોલીસે ધરપકડ કરી હતી.જે સંચાલકના ત્યાં તપાસ કરતાં ભારતભરના અલગ અલગ રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની 137જેટલી બોગસ ડિગ્રીઓ તેમજ નકલી માર્કશીટ મળી આવી હતી. જે આરોપીની પૂછપરછમાં આ સમગ્ર કેસના તાર દિલ્હી સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.જેમાં મનોજ સહિત અન્ય ઈસોમોના નામ સામે આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.એટલું જ નહીં પરંતુ પોલીસની અન્ય ટીમોને અલગ અલગ રાજ્યોમાં તપાસ અર્થે મોકલવામાં આવી હતી.
આ દરમિયાન સિંગણપોર પોલીસને આ કેસમાં વધુ એક સફળતા હાથ લાગી છે. જેમાં સુરતના સરથાણા અને સેલવાસ ખાતેથી વધુ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં જર્મન ઇન્સ્ટિટયૂટ નામે સંસ્થા ચલાવતા કેતન શૈલેષ જેઠવા અને સેલવાસથી આસિફ અબ્દુલ જીવાણીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ 10 હજારથીથી લઈ એક લાખ રૂપિયા સુધીમાં લોકોને નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રીઓ બનાવી આપતા હતા. જે આરોપીઓના ત્યાંથી લેપટોપ અને કોમ્પ્યુટર કબ્જે કરી ડેટા મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
જેમાં આરોપીઓએ હમણાં સુધી કોણે કોણે નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રીઓ બનાવી આપી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સમગ્ર કૌભાંડમાં દિલ્હી ફરીદાબાદના મનોજ કુમારનું નામ સામે આવ્યું હતું. જેની સાથે અન્ય શખ્સોને નામો પણ બહાર આવ્યા છે અને તમામની ધરપકડ કરવાની દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. જે તપાસના અંતે વધુ ખુલાસા બહાર આવવાની શક્યતા રહેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590