Latest News

તાપી જિલ્લો કપાસના ઉત્પાદનમાં રાજ્યમાં ૨૪માં ક્રમે

Proud Tapi 22 Dec, 2023 02:34 PM ગુજરાત

તાપી જિલ્લામાં ૧૧૮૫૪ હેક્ટર વિસ્તાર મારફત સરેરાશ ૧૭૨૩ પ્રતિકિલો હેક્ટર અને કુલ ૧૮૯૫૦ મેટ્રીક ટન કપાસનું ઉત્પાદન થાય છે. 

૨૩મી ડિસેમ્બર-દેશભરમાં ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ’ની ઉજવવામાં કરવામાં આવે છે. ભારતના 5મા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણ સિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. 

ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તે પોતાની આજીવિકા પ્રત્યક્ષ રીતે આ વ્યવસામાંથી મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં કૃષિએ રોજગારી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને ગામડાના સર્વાગી વિકાસનુ સાધન છે. ગુજરાતની બીજી હરીયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે. 

ગુજરાતમાં કપાસનો પાક ખેડુતો માટે અનેરૂ સ્થાન ધરાવે છે. મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવતા કપાસના પાકને ખેડૂતો ‘સફેદ સોનું’ પણ કહે છે. કપાસ, મગફળી, દિવેલા પાકોના ઉત્પાદનની દ્રષ્ટીએ સમગ્ર દેશમાં આપણું ગુજરાત પ્રથમ ક્રમે છે. રાજ્યને દેશમાં પ્રથમ ક્રમે લાવવામાં તાપી જિલ્લાના ખેડૂતોનો ફાળો પણ નોંધનિય છે. અમરેલી જિલ્લો કપાસના ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ ક્રમે જ્યારે તાપી જિલ્લો રાજ્યમાં ૨૪માં ક્રમે સ્થાન ધરાવે છે.

તાપી જિલ્લાની વાત કરીએ કુકરમુંડા, નિઝર,સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં કપાસના પાકને માફક આવે તેવી કાળી, મધ્યમકાળી અને ફળદ્રુપ જમીન ઉપલબ્ધ છે. તાપી જિલ્લામાં આ વર્ષે કપાસનું વાવેતર કુલ- ૧૧૮૫૪ હેક્ટરમાં થયુ છે. 

તાપી જિલ્લામાં ઉત્પાદિત થતું કપાસ મોટા ભાગે સ્થાનિક કક્ષાએ વેપારીઓ દ્વારા જ ખરીદી થાય છે. આ ઉપરાંત નિઝર-કુકરમુંડાના ખેડૂતો દ્વારા મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ નિકાસ કરવામાં આવે છે. 

તાપી જિલ્લાના પ્રગતિશિલ ખેડૂતો પૈકી એક પ્રકાશભાઇ જીર્યાભાઇ પાડવી નિઝર તાલુકાના નવલપુર(બોરદા) ગામના રહેવાસી છે. તેઓ ૦૪ એકર જેટલી પિયત જમીન ધરાવે છે. પ્રકાશભાઇ પહેલા પરંપરાગત રીતે જુવાર, તુવેર, બીન પિયત કપાસ જેવા પાકોનું વાવેતર કરતા હતા. જેનુ ઉત્પાદન ઘણુ ઓછુ આવતુ હોય આર્થિક નફો પણ ઓછો થતો હતો. ખેતીવાડી શાખા નિઝરના ગ્રામ સેવકશ્રી તરફથી કપાસની ડેમો કિટ મળતા ૨૦૨૨-૨૩ના વર્ષમાં પિયત કપાસ ૨.00 એકર વિસ્તારમાં બનાવેલ હતો. ખેતીવાડી શાખા નિઝર તરફથી AGR-3 (TASP) યોજના હેઠળ સારી ગુણવત્તાનુ  કપાસ બિયારણ સાથે જૈવિક દવા અને જૈવિક ખાતર આપવામાં આવ્યુ. જેથી બહાર બજારમાથી કોઇ દવા કે ખાતર લેવાની જરૂર પડી નહી. જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થયો. વાવેતર કર્યા બાદ ગ્રામ સેવકશ્રીના માર્ગદર્શનથી દવા અને ખાતરનું વ્યવસ્થાન કર્યુ. જેથી કપાસ પાકના ઉત્પાદનમાં વધારો થતા છેલ્લા ૨ થી ૩ વર્ષમાં કપાસના સારા ભાવ અને સારું બજાર મળતા પ્રકાશભાઇને કપાસની ખેતીમાં રસ પડયો હતો. 

પોતાની સફળતાની વાત રજુ કરતા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, કપાસની ખેતીમાં મને જમીનની તૈયારીથી લઈ કપાસ વીણી સુધી ૨ એકરમાં અંદાજિત ૩૦,૦૦૦/- રૂપિયા સુધીનો ખર્ચ થયેલ છે. પાછલા વર્ષમાં કુલ-૨૨ ક્વિંટલ કપાસ થતાં મને ૧ ક્વિંટલના સરેરાશ  રૂપિયા ૭૦૫૦/- મુજબ ભાવ મળ્યો હતો જે અન્વયે મને  રૂ. ૧,૫૫,૧૦૦/- ની આવક થઈ હતી. 

કપાસની ખેતીમાં કરેલ ખર્ચ બાદ કરતાં કુલ  રૂ. ૧,૨૫,૧૦૦/- નો નફો થયો છે. ચાલુ વર્ષે મેં ૨.૫૦ એકર જમીનમાં કપાસની ખેતી કરી છે. મને વર્ષ ૨૦૨૨-૨૩ ખેતીવાડી વિભાગ કપાસની ડેમો કિટ AGR-3 (TASP)  યોજના અંતર્ગત રૂ. ૪૦૦૦/- સહાયની રકમ મળી છે. મને મારી કપાસ પાકની ખેતીમાં ઘણો જ આર્થીક લાભ મળ્યો છે જેના કારણે અન્ય ખેડૂતો પણ કપાસની ખેતી કરવા પ્રેરિત થયા છે.

અંતે તેમણે નિઝર અને તાપી જિલ્લા ખેતીવાડી વિભાગના સચોટ માર્ગદર્શન માટે અને રાજ્ય સરકારની સહાય માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેયને વરેલી ગુજરાત સરકાર છેવાડાના ખેડૂત સુધી પહોચી તેને સફળતાના શિખરે બિરાજમાન કરવા સક્ષમ છે. તાપી જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસીયાએ આ અંગે વધુ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ખેતીવાડી વિભાગનો મુખ્ય ઉદેશ ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક ખેતી પઘ્ધતિઓનું જ્ઞાન આપી જુ઼દી જુ઼દી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાદક્તા વધારવાનો અને સાથે સાથે ખેડુતની આવક બમણી કરવાનો છે. જેના માટે સરકારશ્રી દ્વારા પીએમ કિશાન સન્માન નિધિ,  કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, જળ સંચય, ખેડૂતોને વિના મુલ્યે કિટ્સ વિતરણ, ખેડુત ખાતેદાર વિમા યોજના, પાક વિમા યોજના, પાક આયોજન ખેત ઉત્પાદન સામગ્રી અને ગુણવત્તા નિયંત્રણ, ફાર્મ મિકેનાઇઝેશન જેવી વિવિધ યોજનાઓ અમલમાં છે. આ સાથે ખેડૂત દ્વારા પોતાની આગવી કોઠાસુઝ અને ખેતી ક્ષેત્રે પોતાના યોગદાનથી ખેડુતોના મોટા સમુહને લાભ થાય તેવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવે છે. 


તાપી જિલ્લામાં ૧૧૮૫૪ હેક્ટર વિસ્તાર મારફત સરેરાશ ૧૭૨૩ પ્રતિકિલો હેક્ટર અને કુલ ૧૮૯૫૦ મેટ્રીક ટન કપાસનું ઉત્પાદન થાય છે. 

તાલુકાવાર જોઇએ તો, કુંકરમુંડા તાલુકામાં ૫૬૫૬ વિસ્તારમાં ૧૫૮૫ કિલો પ્રતિ હેક્ટર (૮૯૬૩ મે.ટન), નિઝર તાલુકામાં ૫૪૫૪ વિસ્તારમાં ૧૫૫૫ કિલો પ્રતિ હેક્ટર(૮૪૮૩ મે.ટન) અને સોનગઢ તાલુકામાં ૧૧૦ વિસ્તારમાં ૧૬૬૭ કિલો પ્રતિ હેક્ટર(૧૮૩ મે.ટન) અને ઉચ્છલ તાલુકામાં ૬૩૪ વિસ્તારમાં ૨૦૮૩ કિલો પ્રતિ હેક્ટર(૧૩૨૧ મે.ટન) ઉત્પાદન થાય છે.

દેશના વિકાસમાં ખેડૂતોનું મોટું યોગદાન હોય છે. કૃષિ મહોત્સવ અને કૃષિ સહાય યોજનાઓ થકી સર્વે ગ્રામજનો ખેતીની નવીન ટેકનોલોજીના મહત્તમ લાભ લે અને પોતાની ખેતી સમૃધ્ધ કરી રાજય અને દેશને પણ સમૃધ્ધ બનાવે તે માટે કૃષિ વિભાગ સતત પ્રયત્નશિલ છે.
 
ખેડૂતો ખેતરમાં મહેનત કરીને જે ઉગાડે છે તેનાથી જ સમગ્ર માનવજાતનું પેટ ભરાય છે. ખેડૂતો ના હોય તો આપણું અસ્તિત્વ જ શક્ય નથી. વિભિન્ન દેશોમાં ખેડૂત દિવસ અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ મનાવવામાં આવે છે. ખેડૂત એ જગતનો તાત છે. ખેડૂતને ફક્ત આજના દિવસે નહિ પરંતું ભોજનનો દર એક કોળીયો આરોગતી વખતે નમન કરીએ તો પણ ખોટું નથી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post