મહેશ પાડવી ( કુકરમુંડા ) : કુકરમુંડા તાલુકાના ઉંટાવદ ગામના ગ્રામજનો દ્વારા પાયાની સુવિધા પૂરી પાડવા અંગે જુથ ગ્રામ પંચાયત ફૂલવાડી(કુકરમુંડા)ને ભૂતકાળમાં ત્રણ વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ વ્યવસ્થા ન કરી આપતા,ઉંટાવદ ગામના ગ્રામજનો દ્વારા કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર પાઠવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવા માંગ કરવામાં આવી હતી.
કુકરમુંડા તાલુકાના ફૂલવાડી જુથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઉંટાવદ ગામ આવેલું છે.જે ગામમાં નવી વસાહત કરીને એક વિસ્તાર આવલો છે ,જેમાં લોકોને અવર જવર માટે જે તે સમયે ભૂતકાળમાં એક કાચો રસ્તો આવેલો હતો.ત્યાર બાદ સરકાર તરફથી ત્યાં સેડ બનાવવા માટે રોડ માપણી થઈ હતી,પરંતુ આજદિન સુધી ત્યાં રોડની કામગીરી કરવામાં આવી નથી,જેના કારણે કેટલાક સ્થાનિક લોકોએ તે રોડ પર ઘર,શૌચાલય,ગટર વગેરે બનાવી તેના પર કબજો કરી લીધો છે.જેથી ગામના લોકોને અવર -જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.તેમજ આ બાબતને લઈ ઘણી વાર ઝગડો પણ થતા જોવા મળે છે.
વધુમાં જણાવ્યું હતું કે,ગામમાં ગટર લાઈનની સુવિધા ન હોવાના કારણે ગંદુ પાણી કાચા રસ્તાઓ પર ભેગું થતું હોય છે.જેના કારણે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું છે.સ્થાનિક ગ્રામ જનો દ્વારા વર્ષ ૨૦૧૮ માં જુથ ગ્રામ પંચાયત ફૂલવાડી(કુકરમુંડા)ને ત્રણ વખત લેખિત અરજી કરી રજૂઆત કરી હોવા છતાં,જુથ ગ્રામ પંચાયત ફૂલવાડી(કુકરમુંડા)ના સત્તાધીશો દ્વારા કોઈ પણ વ્યવસ્થા કે કામગીરી કરવામાં આવી નથી.
જૂથ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની યોગ્ય કામગીરી કરવામાં ન આવતા આખરે સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.તેમજ રસ્તો બનાવવામાં આવે,ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈનની સુવિધા કરી આપવામાં આવે અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590