સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અસરગ્રસ્તોની લારીઓ-ઝૂંપડાં તોડી પાડતા ઉગ્ર વિરોધ :15 દિવસમાં ન્યાય ન મળે તો નહેર-સ્ટેચ્યુ બંધ કરાવવાની ચિમકી
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સરદાર સરોવર ડેમના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી ત્યાં લારી-ગલ્લા અને ઘરો ચલાવી રોજગારી મેળવી રહ્યા હતા. તાજેતરમાં સરકાર દ્વારા આ લોકોના ઘરો અને દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે. આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને સ્થાનિક આદિવાસી આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લઈ સરકાર સામે તીખા સવાલ ઉઠાવ્યા છે.
તેમજ સરકાર સામે ઉગ્ર વલણ અપનાવી ઉગ્ર શબ્દોમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર સરદાર પટેલના નામે વિકાસના કામો કરે છે, પરંતુ તેમના જ નર્મદા પંથકના લોકો પર અન્યાય કરે છે. તેમણે કહ્યું કે “અમે બંધારણમાં માનીએ છીએ પણ સરકાર અમારા લોકોને પોલીસના ડંડાથી ડરાવે છે. જો સરકાર ગોળી મારવા માંગતી હોય તો અમે ગોળી ખાવા તૈયાર છીએ. આ મુદ્દે હવે પાછી પાની નહીં કરીએ.”
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે સરદાર સરોવર ડેમ, નર્મદા નહેર અને સ્ટેચ્યુ માટે જમીન આપનારા લોકોને ન વળતર મળ્યું, ન નોકરી, ન જમીન, ન પાણી. “હવે તેમની લારીઓ અને ઝૂંપડાં પણ તોડી નાખવામાં આવ્યા છે. શું હવે આ જમીનો ઉદ્યોગપતિઓને આપવા જઈ રહ્યા છે?” તેમણે એલાન કર્યું કે આવતા ગુરુવારે ચાર રાજ્યોના લોકો સાથે સંયુક્ત કાર્યક્રમ યોજી આવેદનપત્ર અપાશે અને સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવશે કે,જો વળતર અને પુનર્વસવણી નહીં થાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, બસો-રીક્ષાઓ, હોટલો અને નહેરમાં ઉતરી નહેર પણ બંધ કરાવશું.”
ચૈતર વસાવાએ માંગ કરી છે કે જેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે તેમને ફરીથી મૂળ જગ્યાએ વસાવવામાં આવે અને લોકોને ન્યાય મળે, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાં અને ઉપવાસ ચાલુ રહેશે, અને 31 ઑક્ટોબરના વડાપ્રધાનના કાર્યક્રમને પણ અટકાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590