જંગલો પરોકારી છે, આપણા પણાનો ભાવ રાખી જંગલોને બચાવીશું તો જ પરિવર્તન શક્ય છે - નાયબ મુખ્ય દંડક વિજય પટેલ
તાપી જિલ્લાના સોનગઢ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ,ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને,તથા જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ એ જણાવ્યુ હતું કે, પર્યાવરણનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. આજે ઋતુ ચક્ર માં આવેલા બદલાવ માટે ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ. તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા અનેક સરાહનીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.આંબાપાણી ઇકો ટુરિઝમ જેવી જગ્યાઓના કારણે સ્થાનિક નાગરિકોને રોજગારીની તકો મળી છે. સખી મંડળ અને વન મંડળી, વન સમિતિઓને નાની મોટી પ્રવૃતિઓમાં સહભાગી બનાવી વનના માધ્યમથી રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.
મુખ્ય દંડક એ સૌ નાગરિકોને આપણા પણાનો ભાવ રાખી જંગલોને બચાવીએ તો જ પરિવર્તન શક્ય છે. જંગલો પરોકારી છે તેથી તેનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે. જન્મથી લઇ મૃત્યુ સુધી જંગલો ઉપયોગમાં આવે છે.વન વગર જીવન શક્ય નથી ત્યારે પર્યાવરણ અનુસાર આપણું જીવન બનાવવું પડશે તેવી અપીલ કરી હતી.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં સાંસ્કૃતિક વન નિર્માણ નો પ્રારંભ થયો હતો. જે આજે સમગ્ર દેશ માટે પ્રવાસન અને પર્યાવરણની દૃષ્ટિએ ઉદાહરણ રૂપ બન્યા છે. તેમણે તાપી જિલ્લામાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ કુલ-૧૧૯૪૭ દાવાઓ મળેલ છે. જે પૈકી ૮૨૯૧ વ્યકિતગત દાવાઓ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા મંજુર કરી ૮૭૮૮.૪૧૩૫ હેકટર જંગલની જમીનની ફાળવણી કરવામાં આવેલ છે, એમ જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
ધારાસભ્ય ડો.જયરામભાઇ ગામીતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણને કુદરતે અન્ય જીવો કરતાં વિશેષ આપ્યું છે, ત્યારે મનુષ્ય તરીકે પર્યાવરણની જાળવણી કરવાની વિશેષ જવાબદારી આપણી બની રહે છે. તેમણે રોડ રસ્તા, ઘરની આસપાસ તથા પોતાના જન્મદિન, કે કોઇ પણ ખાસ પ્રસંગે વૃક્ષોનું વાવેતર કરવા અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય મોહનભાઇ કોંકણી જણાવ્યું હતું કે, આપણે સૌ પ્રકૃતિ સાથે જોડાયેલા છે .આજે પર્યાવરણ દૂષિત થવાના લીધે પર્યાવરણનું સંતુલન બગડ્યું છે.તેથી આપણા સૌની ફરજ બને છે કે આપણે પર્યાવરણનું જતન કરીએ. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને રોજીંદા જીવનમાં કાગળ કે કાપડની થેલી નો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો.તાપી જિલ્લા વન વિભાગ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે એમ પણ તેમણે સરાહના કરતા કહ્યું હતું.
તાપીના નાયબ વન સંરક્ષક પુનિત નૈયર એ જણાવ્યું હતું કે, આજથી 50 વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજ દિન સુધી આપણે સૌ ૫મી જુના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરી રહ્યા છે. તેમણે ગુજરાત સરકારના વન કવચ અને ભારત સરકારના MISHTI પ્રોજેક્ટ વિશે પણ જાણકારી આપી હતી.
તાપી જિલ્લા અંગેની માહિતી આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ચોમાસા દરમ્યાન ૧૫૯૦ હેકટર જેટલાં વિસ્તારમાં કુલ ૧૩.૧૨ લાખ રોપાનું વાવેતર કરવામાં આવનાર છે. તાપી જિલ્લામાં ૪.૧૫% વન વિસ્તાર છે. તેમણે પર્યાવરણનું જતન કરવા અને પોતે પ્રેરિત થઈ અન્યને પ્રેરિત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે “દિપડા અને તૃણભક્ષી/નાના સસ્તન પ્રાણીઓની વસ્તી ગણતરી મે-2023” રાજ્યવ્યાપી વસ્તી અંદાજમાં વન વિભાગ તાપી ને ગણતરીમાં મદદરૂપ બની સારી કામગીરી કરવા બદલ અલ્પેશ દવે, અબ્રાર મુલતાની, ઇમ્રાન સુલેમાન વૈદ,વિજયભાઇ ગામીત, વિલેશભાઇ ગામીત,રાહુલભાઇ સોનીને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, પ્રાયોજના વહીવટદાર રામનિવાસ, સોનગઢ મામલતદાર સુધીર બારોટ સહિત વન વિભાગના અધિકારી કર્મચારીઓ,વન સમિતિ ના સભ્યો અને ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590