Latest News

કેવિકે વ્યારા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર જાગૃતતા કાર્યક્રમ યોજાયો

Proud Tapi 13 Feb, 2023 05:29 PM ગુજરાત

વ્યારા : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડીયા (IAS)ની અધ્યક્ષતામાં “આઉટ સ્કેલીંગ ઓફ નેચરલ ફાર્મિગ થ્રુ કેવિકે” અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાપી જિલ્લામાંથી ૨૦૦ થી વધારે ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.              

             કાર્યક્રમના અધ્યક્ષ અને તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડીયા (IAS) એ કેવિકે દ્વારા પ્રાકૃતિક ખેતી માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલ આહવાના મુજબ  દરેક તાલુકામાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે તેઓને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. તેમણે ભારત સરકાર દ્વારા “આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય પાક વર્ષ – ૨૦૨૩” ની ઉજવણી પાછળનો હેતુ પણ ખેડૂતોને સમજાવ્યું હતું.
     

તાપી જિલ્લામાં “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડકટ”  તરીકે નિઝર તાલુકાની “ગોટી જુવાર”ની પસંદગી કરાઈ તેવી તેમને માહિતી આપી હતી. તેમણે જુવાર પકવતા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અને તેમની માર્કેટ વ્યવસ્થા વિશે ચર્ચા કરી માહિતી આપી હતી. તેમણે ખેડૂત મિત્રોને આવનારા વર્ષોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટેનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.  


      કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ બધા મહેમાનોને આવકારી કાર્યક્રમ ની વિગતવાર માહિતી આપી હતી. ડૉ. પંડ્યાએ જણાવ્યું હતું કે, આડેધડ અને અસમજપૂર્વકના રાસાયણિક પદાર્થનો ઉપયોગ થકી ખેતીની જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન શક્તિ ઘટી છે. જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો આ સમસ્યા દૂર કરી શકાય તેમ છે.પ્રો. કુલદીપ રાણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) કેવિકે, વ્યારા દ્વારા પ્રાકૃતિક ખેતી એટલે શું, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તકો વિશે વિગતવાર સમજ આપી હતી. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)એ પ્રાકૃતિક ખેતી દ્વારા કરવામાં આવેલ પાકોમાં રોગ – જીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઘનશ્યામ ઢોલે, નાયબ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા – તાપી એ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક ખેતીની યોજનાકીય માહિતી આપી હતી.  પિયુષ ચૌધરી, મદદનીશ ખેતી નિયામક – વાલોડ એ પ્રાકૃતિક ખેતીમાં  સરકારની ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિશે માહિતી આપી હતી.
              આ કાર્યક્રમમાં વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જયેશભાઇ પટેલ એ પોતાના અનુભવો ખેડૂતોને જણાવ્યા હતા. કાર્યક્રમનાં અંતે બધા જ ખેડૂત ભાઈ-બહેનોએ કેવિકે ખાતે કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતીના નિદર્શન પ્લોટ ની મુલાકાત કરી પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધિ પ્રો. કુલદીપ રાણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)એ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જીગર બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન)એ કર્યું હતું. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post