સાગબારા ખાતે ગત દિવસોમાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું.જેની તપાસ સાગબારના મામલતદાર શૈલેષ નિઝામા દ્વારા કરવામાં આવી રહી હતી.જે તપાસ દરમિયાન તમામ પાસાને આવરી લઈ શકમંદોનાં નિવેદન લેવાયા હતાં,તપાસના અંતે જિલ્લા પુરવઠા અધિકારીના હુકમના આધારે અનાજ સગે-વગે કરવામાં 8 લોકો સામે પોલીસ ફરીયાદ દાખલ થઈ છે.પોલીસ ફરિયાદ દાખલ થતાં સસ્પેન્ડ ભાજપનો નેતા મનીષ શાહ સહિત અનાજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતારી ગયા છે.
પ્રાપ્ત માહિત અનુસાર ગત 19 જૂલાઈના રોજ સાગબારાનાં પાચપીપરી રોડ પર આવેલા ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ સગે-વગે થતુ હતું. જેને પત્રકાર ગૌતમ ડોડીઆ દ્વારા પકડી પાડી અનાજનો જથ્થો અને ટેમ્પો સાગબારા મામલતદારને સુપ્રત કર્યો હતો.નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સુચનાથી સાગબારા મામલતદારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ખુબ જ ઝડપથી અને ઝીણવટપૂર્વકની તપાસ કરતાં મામલતદાર શૈલેષ જે નિઝામા દ્વારા ખાનગી ગોડાઉનનાં માલિક, ગોડાઉન મેનેજર, ડીએસડી કોન્ટ્રાક્ટર સહિતના શકમંદ લોકોની પુછપરછુ કરી નિવેદન લીધા હતાં.પરંતુ 19 જૂલાઈએ ટેમ્પો નંબર જીજે 22 ટી 1181માં મળેલા 8 કટ્ટા અને ગોડાઉનમાંથી મળેલા 192 કટ્ટા કોના છે અને ક્યાંથી આવ્યા તેનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી. જેના કારણે અનાજ સગે વગે થતુ હોવાનું ખુલતાં મામલતદાર દ્વારા આ અનાજ ચોરી પ્રકરણમાં 8 લોકો સામે પોલીસ ફરીયાદ કરાઈ છે. જેમાં ડીએસડી કોન્ટ્રાક્ટર અને સુરત જિલ્લા ભાજ્પા યુવા મોર્ચાનાં સસ્પેન્ડેડ નેતા અને આખા પ્રકરણનો મુખ્ય સુત્રધાર મનીષ ગવરચંદ શાહ, રહે - એ-6, શાંતિનિકેતન, રામકબીર સોસાયટી, રેલવે ક્રોસિંગ પાસે, ચલથાણા, પલસાણા, સુરત સહિત ખાનગી ગોડાઉનનાં માલિક સચિન શાહ, આ ગોડાઉન ભાડે રાખનાર શૈલેન્દ્રસિંઘ બહાદુરસિંઘ વસાવા, રહે, ભવરીસાવર, સાગબારા,ડીએસડી કોન્ટ્રાક્ટરનો પ્રતિનિધી અને ટેમ્પો માલિક આનંદ અદેસિંગ વસાવા, રહે- રોઝદેવ, સાગબારા, જયકુમાર દિનેષભાઈ વસાવા, રહે - ઉભારિયા, બોરડીફળી, સાગબારા, ગોડાઉન મેનેજર ભાવેશ ડાંગોદરા, ટેમ્પો ડ્રાઈવર રાજેન્દ્ર રામસિંગ વસાવા , રહે-પાંચપીપરી, સાગબારા તેમજ ડીએસડી કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિ દૌલતભાઈ ભાંગાભાઈ નાઈક, રહે- કોલવાણ,ગામ- બેડાપાણી, સાગબારાનો સમાવેશ થાય છે.
પોલીસ ફરિયાદ દાખલ થતાં જ ભાજપ નેતા સહિત અનાજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતારી ગયા છે.ગરીબોના હક્કનું અનાજ સગે વગે કરવામાં ભાજપના નેતાની સંડોવણી સામે આવ્યા બાદ ભાજપની છબી ખરડાય છે.એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 80 કરોડ ગરીબ લોકોની આંતરડી ઠરે તે માટે અનાજ વિતરણની વ્યવસ્થા યથાવત રાખી છે.ત્યારે મનીષ શાહ જેવા અનાજ માફિયાઓ ભાજપના ખેસ પહેરી, નેતાઓ અને મંત્રીઓ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી અંદરખાને અનાજ ચોરી કરી રહ્યા છે. ત્યારે હવે આગળની તપાસ સાગબારા પોલીસના હાથમાં છે. પોલીસ દ્વારા આ મામલામાં વધુ ઉંડી તપાસ કરી અનાજ ચોરોને કડકમાં કડક સજા મળે તે રીતે તપાસની દિશા નક્કી કરે તે જરૂરી બન્યુ છે.
પૈસાના ભુખ્યા મનીષ શાહના પાપે ગરીબોનું અનાજ સગે વગે થતુ હતું.
રાજકીય વગ અને પૈસાનાં જોરે તેમજ અધિકારીઓ સામે ફાંકા ફોજદારી કરી સુરતનો મનીષ શાહ અનેક જિલ્લાઓમાં કોન્ટ્રાક્ટ ચલાવતો હતો. હાલમાં તેનો કોન્ટ્રાક્ટ નર્મદા સિવાય, તાપી, વલસાડ, છોટા ઉદેપુર અને ગાંધીનગર જિલ્લામાં ચાલી રહ્યો હતો. મનીષ શાહ પોતાની વગ વાપરી કોન્ટ્રાક્ટ લઈ લેતો હતો.ત્યારપછી અનાજની વિતરણ વ્યવસ્થા સુચારુ રુપે ચાલે છે કે નહીં તે જોવાના બદલે જે તે જિલ્લામાં કોઈ પણ માણસ ઉભો કરી તેને કામગીરી સોંપી દેતો હતો અને જે-તે વ્યક્તિ પાસે મહિને ચોક્કસ ટકાવારી લઈ લેતો હોવાનું જાણવા મળ્યુ છે.નિગમના નિયમ મુજબ પેટા કોન્ટ્રાક્ટ ન આપી શકાય છતાં મનીષ શાહ પૈસાની લાલચમાં અઘોષિત પેટા કોન્ટ્રાક્ટ આપી દેતો હતો.જ્યારે કોઈ અનાજ સગે વગે થતુ પકડાય ત્યારે પોતે બચી જાય અને તે જેને કામગીરી આપે તે ફસાય જાય તે માટે મનીષ શાહ વ્યવસ્થિત ષડયંત્ર કરતો હતો.આ કેસમાં પણ તેણે અનાજ ચોરીનો દોષનો ટોપલો આનંદ વસાવા પર નાંખી દીધો છે અને પોતે કંઈ કર્યુ ન હોવાની ડંફાશ હાંકી રહ્યો છે.ત્યારે આનંદ વસાવા જાતે દુકાન દાર છે.દુકાન દારને કોઈ કામગીરી ન સોંપાઈ તેવા નિગમના નિયમની ઉપરવટ જઈ મનીષ શાહે આનંદ વસાવાને પોતાનો પ્રતિનિધી કેમ બનાવ્યો તેનો સીધો સાદો જવાબ એ છે કે, આનંદ વસાવા પોતે દુકાનદાર હોય અને અન્ય દુકાનદારને ઓળખતો હોય તે સારી રીતે અનાજનું કટિંગ કરી બંને લોકો મોટા પાયે સરકારી અનાજ સગે વગે કરી શકે.
મનીષ શાહની કામગીરી ખરાબ હોવા છતા નિગમના અધિકારીઓ છાવરતા હતાં
ડીએસડી કોન્ટ્રાક્ટર મનીષ શાહની કામગીરી સદંતર ખરાબ હતી.તે નિયમિત રીતે ગાડીઓ મુકતો ન હતો.સમયસર અનાજ પહોંચાડતો નહતો. ભરુચમાં એફસીઆઈના કોન્ટ્રાક્ટ દરમિયાન અનાજ ગાડી જિલ્લા ગોડાઉનથી સીધી તાલુકાનાં ગોડાઉન પર લઈ જવાના બદલે મહાદેવ હોટલ પર લઈ જતો હતો. પછી જ્યારે તાલુકા ગોડાઉન પર અનાજ આવતો ત્યારે એમાં ઘટ આવતી હતી.ઉપરાંત મનિષ શાહ નિગમના નિયમોની ધજીયા ઉડાવી દાદાગીરીથી પોતાનો કોન્ટ્રાક્ટ ચલાવતો હતો.નિગમના અધિકારીઓ માત્ર નોટિસ ફટકારીને સંતોષ માનતા હતાં.જેના કારણે મનીષ શાહની હિમંત ખુલી હતી.જેના કારણે તેને અનાજ સગે વગે કરવાનો મોકો મળ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590