વહીવટી તંત્રના સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો-જવાબદારીઓ સુપેરે નિભાવી મંદિર ટ્રષ્ટના આગેવાનો સાથે સંકલનમાં રહીને સુંદર રીતે આયોજનને પાર પાડવા કલેક્ટર એસ.કે.મોદીનો અનુરોધ
પાંચ દિવસીય ભાતીગળ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ અને આદિવાસી સમુદાયના લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે : યાત્રાળુઓને ક્યાંય મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરાઈ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલા આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર અને કુળદેવી યાહા મોગી પાંડોરી માતાના પવિત્ર ધામ ખાતે પ્રતિવર્ષ મહા શિવરાત્રિના પાવન પર્વે પરંપરાગત ભાતીગળ મેળો યોજાય છે.આ વર્ષે આગામી તા.૨૫મી ફેબ્રુઆરીથી૦૧ લી માર્ચ-૨૦૨૫ દરમિયાન યોજાનારા મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે તા.૧૩/૦૨/૨૦૨૫ના રોજ બેઠક યોજાઈ હતી. ભાતીગળ મેળાની થનારી આ ભવ્ય ઉજવણીના સુચારૂ આયોજન અંગે તમામ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવી મંદિર ટ્રષ્ટના આગેવાનો સાથે સંકલનમાં રહીને મેળામાં આવતા યાત્રિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે જોવા જિલ્લા કલેક્ટર એ ખાસ અનુરોધ કર્યો હતો.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, દેડીયાપાડા પ્રાંત અધિકારી ડી.આર. સંગાડા, સાગબારાના ઈન્ચાર્જ મામતદાર દિનેશભાઈ વસાવા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ તેમજ સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધીરસીંગભાઈ વસાવા, ઉપપ્રમુખશ્રી નાનસિંગભાઈ વસાવા અને ટ્રષ્ટી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ મેળા દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પીવાના સ્વચ્છ પાણી, સતત વિજ પુરવઠાની જાળવણી, આરોગ્ય સુવિધા, વધારાની એસ.ટી. બસ રૂટની સેવા, મેળાના સ્થળે સ્વચ્છતા જાળવવા, યાત્રાળુઓ માટે ભોજન, સેનીટેશનની વ્યવસ્થા, ફાયર બ્રિગેડ, રસ્તા રિપેરિંગ જેવી બાબતો સુનિશ્વિત કરી લેવા જણાવ્યું હતું.
વધુમાં કલેક્ટર એ જણાવ્યું કે, દેવમોગરા ખાતે નિર્માણ પામેલા યાત્રિક આવાસને શરૂ કરવા માટેની તમામ પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવી અને મંદિર ટ્રષ્ટને કોઈ સુવિધાની જરૂરિયાત હોય તો તેની યોગ્ય માગણી કરવી અને આ પવિત્ર દેવસ્થાન પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં નક્કર પગલાં ભરવા પર ખાસ ભાર મુક્યો હતો. માત્ર એટલું જ નહીં પણ સ્થાનિક સંસ્કૃતિને બચાવવા માટે દેશના આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યોમાં પણ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી આ પરંપરાગત મેળા અંગે લોકોને જાણકારી મળે અને માત્ર ત્રણ રાજ્યોના જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવતા થાય તે દિશામાં કાર્ય કરી માનવ સમન્વય અને સામાજિક સમરસતાનું ઉદાહરણ પુરૂં પાડવા અનુરોધ કર્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે યોજાતા પારંપરિક ભાતીગળ મેળામાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ-યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે આવીને આ મેળામાં ઉત્સાહભેર ભાગ લે છે, ત્યારે દર્શનાર્થીઓને મેળા દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી સુચારુ આયોજન સાથે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા સાથે વીવીઆઈપી મહાનુભાવો આવે ત્યારે તેમને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા પુરી પાડવા અંગે પણ કલેક્ટર એ જણાવ્યું હતું.
દેવમોગરા ખાતે યોજાનારા યાહા મોગી પાંડોરી માતાજીના મેળા દરમિયાન મંદિર પરિસરમાં તેમજ મંદિરે જવાના મુખ્ય માર્ગમાં નિયત અંતરે લાઈટીંગની વ્યવસ્થા ઉભી કરવી. તદ્ઉપરાંત DGVCL દ્વારા વીજપુરવઠો સતત જળવાઈ રહે, આરોગ્ય વિભાગ દ્વારા મંદિર પરિસર તેમજ મેળાના સ્થળે તબીબો અને એમ્બ્યુલન્સ સાથેનો પેરામેડીકલ સ્ટાફ આવશ્યક દવાઓની ઉપલબ્ધિ સાથે તૈનાત કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીમાં ક્લોરીનેશનની પણ વ્યવસ્થા કરી છે. આસપાસના બંધ પડેલા હેન્ડપંપને રિપેરિંગ કરીને પાણીના સ્રોત ઊભો કરવા જણાવ્યું હતું. એસટી તંત્ર દ્વારા સેલંબા-ડેડીયાપાડા અને નેત્રંગ ખાતેથી વધારાની બસ સેવાઓની ઉપલબ્ધિ ઉપરાંત જિલ્લા વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા મેળા દરમિયાન કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે. કાયદો અને વ્યવસ્થાની સાથે ટ્રાફિક નિયમન કરવા પર ભાર મૂક્યો હતો.
શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રષ્ટના ૪૦૦ ઉપરાંત સ્વયંસેવકો પણ સ્થાનિક બોલીમાંસંવાદ કરી લોકોને જરૂરી સેવાઓ પુરી પાડી વ્યવસ્થા અંગે દર્શનાર્થીઓને સમજ આપશે. વિવિધ સ્થળોએ જરૂરી સૂચના અંગેના શાઈન બોર્ડ પણ લગાડવા અને જંગલના ઉંડાણના ભાગમાં શ્રદ્ધાળુઓ જાય નહીં તથા આગજનીના બનાવો બને નહીં તેની તકેદારી રાખવા ફાયર, વન વિભાગ અને પોલીસ ચાંપતી નજર રાખશે.ડિઝાસ્ટર અંગેનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા પણ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590