માહિતી ખાતાએ દરેક ખાતા સાથે સંકલન અને કોમ્યુનિકેશન સાધી શ્રેષ્ઠ કામગીરી બજાવવાની છે: ઇન્ચાર્જ સંયુક્ત માહિતી નિયામક
ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ના દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક વલસાડના તિથલ સર્કિટ હાઉસ ખાતે તા.૮ જુલાઈને શનિવારે મંડળના પ્રમુખ કિરીટભાઈ બેંકરના અધ્યક્ષસ્થાને અને સુરત પ્રાદેશિક માહિતી કચેરીના ઇન્ચાર્જ સંયુક્ત માહિતી નિયામક અરવિંદભાઈ મછારના અતિથિવિશેષ પદે યોજાઈ હતી. આ બેઠકનું આયોજન વલસાડ માહિતી કચેરીના ઇન્ચાર્જ સિનીયર સબ એડિટર અને અધિક્ષક તથા કારોબારી સભ્ય અક્ષય દેસાઈ અને ટીમ વલસાડ દ્વારા કરવામાં આવ્યું હતું.બેઠકમાં કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સંવાદનો સેતુ સધાયો હતો.સાથે જ કર્મચારીઓના પ્રશ્નો અંગે પણ નિખાલસતાથી ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કર્મચારી મંડળના પ્રમુખ કિરીટભાઈ બેંકરે જણાવ્યું કે, કર્મચારીઓના બદલી અને બઢતી સહિતના નાના મોટા પ્રશ્નો કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સાતત્યપૂર્ણ સંવાદથી ઉકેલવામાં સફળતા મળી રહી છે. માહિતી ખાતાની કામગીરી ૧૦૮ ઇમરજન્સી જેવી હોય છે.જેથી સરકારના તમામ વિભાગો સાથે સંકલન અને સમન્વય રાખી ફરજ પ્રત્યે ૨૪ કલાક તત્પર રહેવું પડે છે.સંવાદનો સેતુ બંધાતા નવા અને જૂના કર્મચારીઓ વચ્ચે હવે ગેપ જોવા મળતો નથી.
નર્મદા જિલ્લાના નાયબ માહિતી નિયામક અને ઇન્ચાર્જ સંયુક્ત માહિતી નિયામક અરવિંદભાઈ મછારે જણાવ્યું કે,અધિકારી અને કર્મચારીઓએ સંપૂર્ણ સમર્પણભાવ સાથે પોતાની ફરજ ઈમાનદારી અને નિષ્ઠા સાથે બજાવવાની રહે છે.માહિતી ખાતાએ દરેક ખાતા સાથે સંકલન અને કોમ્યુનિકેશન સાધી શ્રેષ્ઠ કામગીરી બજાવવાની છે.હવે સમસ્યા પહેલાની જેમ જડ રહી નથી,દરેક સમસ્યાનો ત્વરિત નિર્ણય આવી જાય છે.
મંડળના ઉપપ્રમુખ દેવાંગભાઈ મેવાડાએ મંડળ દ્વારા માહિતી ખાતાના ઇતિહાસમાં પ્રથમવાર કર્મચારીઓ અને અધિકારીઓની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સંવાદ દ્વારા દરેક પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સંગઠન મંત્રી સંજયસિંહ ચાવડાએ કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મંડળ હંમેશા તેમની પડખે હોવાનું જણાવ્યું હતું.બેઠક દરમિયાન કર્મચારીઓએ પોતાના વહીવટી પ્રશ્નોની મંડળના હોદેદારો સમક્ષ રજૂઆત કરી હતી.
આ બેઠકમાં મંડળના સંગઠન મંત્રી અને સુરત માહિતી ખાતાની પ્રાદેશિક કચેરીના સુપરવાઈઝર નરેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.જ્યારે આભારવિધિ મંડળના કારોબારી સભ્ય અક્ષયભાઇ દેસાઈએ કરી હતી.આ બેઠકમાં વલસાડ કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક યજ્ઞેશગીરી ગોસ્વામી,ભરૂચ કચેરીના નાયબ માહિતી નિયામક ભાવનાબેન વસાવા,તાપીના સહાયક માહિતી નિયામક નિનેશભાઈ ભાંભોર,ડાંગના ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક મનોજસિંહ ખેંગાર, મંડળના કારોબારી સભ્યો અને હોદ્દેદારો તેમજ દક્ષિણ ગુજરાતના માહિતી ખાતાના વર્ગ-૩ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક બાદ માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે પ્રીતિ ભોજન માણ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590