ચાલુ સભા દરમિયાન વરસાદ વરસતા એક પણ વ્યક્તિ એ પોતાની જગ્યા ન છોડી ,વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણ સામે ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ સહિતના અન્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈને જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ સ્થળોથી પદયાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે તે પદયાત્રા વ્યારા ખાતે પહોંચી હતી અને આદિવાસી મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં તથા નેશનલ હાઇવે નંબર 56 જમીન સંપાદન મામલો તથા કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી , વેદાંતા પાર તાપી નર્મદા રિવર લિંક ,યુનિયન સિવિલ કોડ કાયદો રદ કરવા વગેરે મુદ્દાઓને લઈને તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનોએ પદયાત્રાની શરૂઆત કરી હતી. જે પદયાત્રા આદિવાસી અધિકાર દિવસના રોજ વ્યારા ખાતે પહોંચી હતી. ત્યારે મહાસભા નું આયોજન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઉદમગડી ગામે થી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સુધી યુસુબ ગામીત ની આગેવાની હેઠળ પદયાત્રા યોજાઇ હતી.આ પદયાત્રામાં તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ, કુકરમુંડા, ઉચ્છલ,નિઝર એમ 7 તાલુકાઓ માંથી આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. જેમાં વૃદ્ધો , શાળા કોલેજના વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિતના આદિવાસી સમાજના લોકો પદયાત્રા માં સહભાગી થયા હતા.અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
તેમજ મહાસભામાં 46 જેટલા યુવાનો એ અનુસૂચિ પાંચ હેઠળના 46 જેટલા કાયદાઓ પ્રજા સમક્ષ રજૂ કર્યા હતા અને તે કાયદાઓ અંગે સમસ્ત જાણકારી પ્રજા સુધી પહોંચાડવામાં આવી હતી.આદિવાસી પંચના આગેવાનો, વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલ, સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુબ ગામીત તેમજ લાલસીંગ ચૌધરી, અમિત ચૌધરી સહિતના જિલ્લાના તમામ આદિવાસી સમાજના આગેવાનો વ્યારા ખાતે મહા સભામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે જે આદિવાસી નેતાઓ મતની માંગણી કરવા આવે છે ,ત્યારે તે ચૂંટાયેલા નેતાઓ આદિવાસી સમાજ ના અધિકારની લડત વખતે ક્યાં ગાયબ થઈ જતા હોય છે ?
વ્યારા જનરલ હોસ્પિટલ ખાનગીકરણ અટકાવવા સહિતના મુદ્દાઓને લઈને આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આવનાર દિવસોમાં વ્યારા જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવામાં ન આવે તો તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલ જિલ્લા સેવા સદન ને તાળાબંધી કરવામાં આવશે. તેમજ હાઇવે અને રેલવે રોકીને ચક્કાજામ કરવામાં આવશે. એવી ચીમકી આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ અને આદિવાસી સમાજ ના આગેવાન એવા યુસુફ ગામીત એ વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, આદિવાસી સમાજ દ્વારા સાતમી સપ્ટેમ્બર થી 13 મી સપ્ટેમ્બર સુધી પદયાત્રાનું આયોજન કરી માત્ર ટેલર બતાવવામાં આવ્યું છે.પરંતુ જો સરકાર દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ નું ખાનગીકરણ અટકાવવામાં નહીં આવે તો પિક્ચર પણ બતાવવામાં આવશે. ખાનગીકરણ અટકાવવામાં ન આવે તો હાઇવે અને રેલવે પર ચક્કાજામ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590