વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વોકલ ફોર લોકલનું સ્વપ્ન સાકાર કરવા સ્થાનિક બજારને મજબુત કરવા અનુરોધ કરતા મંત્રી મુકેશભાઇ પટેલ
મહેશ પાડવી(પ્રતિનિધિ) : આત્મનિર્ભર ગુજરાતની પરિકલ્પના સાકાર કરવા માટે તાપી જિલ્લાના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસોને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકાર “તાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક” જેવા પ્રોજેક્ટને સફળ બનાવી રોજગાર સર્જનની તકો વધારવાના સુદ્રઢ પ્રયાસો કરી રહ્યું છે.
આ સાહસો વિશ્વભરમાં મોટા ભાગના વ્યવસાયોમાં જવાબદાર છે અને તે રોજગાર સર્જન અને વૈશ્વિક આર્થિક વિકાસ માટે છે. કુકંરમુંડાના ઉભદ-પીશાવર ખાતેથી તાપી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક હેઠળ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું કે, તાપી જિલ્લો પરંપરાગત કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલુ છે. પરંતુ આજના યુવાનો પરંપરાગત વ્યવસાયના બદલે નોકરી પર વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે. આજના યુવાનોમાં શિક્ષણનું સ્તર વધ્યું છે અને કૌશલ્યવર્ધક પ્રવૃતિ તરફ આકર્ષાઈ રહ્યા છે ત્યારે જિલ્લાના યુવાનો માટે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો શરૂ થાય તે અતિમહત્વપૂર્ણ છે. આવા ઉદ્યોગોને જિલ્લામાં પોત્સાહન મળતા વડાપ્રધાનશ્રીના વોકલ ફોર લોકલના સ્વપ્નને ગતિ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની ૨૦૨૦ ની પોલિસીને ધ્યાનમાં લઈને ઉદ્યોગ સાહસિકોને ગુજરાત સરકારની સબસિડી, યોજનાઓનો લાભ મળશે. ઉપરાંત આ નોન પોલ્યુટેડ યુનિટ ખાતે લોકો માટે રોજગારીની તકો ઉભી થશે. વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ તાપી ડિસ્ટ્રીક્ટ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ૪૦ કરોડના એમઓયુ થયાં છે.તાપી ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું પણ એમઓયુ કરવામાં આવશે. વધુમાં મંત્રીશ્રી ઉમેરતા જણાવ્યું કે, જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નિર્માણથી રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં ઉભી થશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકાર કરવા તાપી જિલ્લાના સ્થાનિક બજારને મજબુત બનાવી જિલ્લામાં જ તમામ ચીજવસ્તુઓનુ ઉત્પાદન અને વેચાણ થાય તે સુનિશ્ચિત કરવુ જરૂરી છે. તાપી જિલ્લાના વિકાસને વેગવાન બનાવવા માટે જિલ્લામાં પ્રસ્થાપિત થનાર પ્રોજેક્ટ્સ સફળ થાય તે બદલ મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
નિઝર તાલુકાના ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીતે પણ આ પ્રસંગે જિલ્લાના યુવાનો માટે રોજગારીની તકો ઉભી થાય અને જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બને તે માટે પ્રેરક ઉદબોધન આપી આગામી પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે તાપી જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, પાયોનીયર ડેવલોપર્સ મહેશભાઈ વસાવા, મણીભાઈ પટેલ, એફ.એસ. રાઠોડ, દિલીપભાઈ પાટીલ સહિત પદાધિકારીઓ, સરપંચ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, ઉભદ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590