Latest News

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે પ્રવાસી મિત્રો યોજનાની શરૂઆત કરાઈ

Proud Tapi 24 Oct, 2023 10:28 AM ગુજરાત

ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગથી ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પ્રવાસી મિત્ર યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, નવરાત્રી ધાર્મિક કાર્યક્રમ છે. પરંતુ તેની સાથે ડાંગ પોલીસ દ્વારા લોકજાગૃતિ માટેના તેમજ સમાજમાં સમાનતા લાવવા માટેના જે કાર્યક્રમો કરવામાં આવ્યા તે
સરાહનીય છે. જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકેની શરૂ કરાયેલી પ્રવાસી મિત્રોની યોજના,જિલ્લામાં આવનાર પ્રવાસીઓને ઉપયોગી નીવડશે.સાથે આ યોજના પ્રવાસીઓની સુરક્ષા તેમજ તેમને જરૂરી માહિતી પુરી પાડવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે.

ડાંગ જિલ્લાનો મુખ્ય મિલેટ્સ પાક (નાગલી)છે.નાગલી સ્વાસ્થ્યવર્ધક પાક છે. તેથી નાગલીની પ્રોડક્ટ સાપુતારાની હોટેલોમાં ઉપલબ્ધ કરાવવા માટે સાપુતારા હોટેલ એસોસિએશનને કલેક્ટરે આ વેળા અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાએ નવરાત્રીના આયોજનની સાથે જિલ્લાના લોકો માટે રોજેરોજ જનજાગૃતિ માટેના કાર્યક્રમો નુ આયોજન કરનાર, નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલ તેમજ સમગ્ર પોલીસ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

નાયબ પોલીસ અધિક્ષક સુનિલભાઈ પાટીલે જણાવ્યું હતું કે,જિલ્લામાં પ્રવાસન સ્થળોને વિકસિત કરવા માટે સરકાર દ્વારા મોટાપાયે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. તેથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ભવિષ્યમાં પોલીસ વિભાગ માટે પ્રવાસીઓની સુરક્ષા પડકારજનક બની રહેશે. ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર હોવાથી વળાંકવાળા રસ્તા ને લીધે અકસ્માતોનું પ્રમાણ વિશેષ રહે છે. આવા સંજોગોમા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા દ્વારા પ્રવાસી મિત્ર યોજનાનો નૂતન કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે. જે પ્રવાસીઓની સુરક્ષા માટે ઉપયોગી સાબિત થશે.પ્રવાસી મિત્ર યોજના હેઠળ ગ્રામ રક્ષક દળના 20 જેટલા સભ્યોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ સુરક્ષાકર્મીઓ જિલ્લામાં આવનાર પ્રવાસીઓને QR-Code દ્વારા માર્ગદર્શન આપશે.

જિલ્લામાં રાત્રી રોકાણ ના સ્થળો અંગેની માહિતી પણ આપશે, તેમજ લોકોને પોલીસ વિભાગની સુરક્ષા અંગેની તમામ સેવાઓ વિશે માહિતગાર કરશે. જેમાં વુમન હેલ્પલાઇન, ટ્રાફિક, સાયબર ક્રાઇમ તેમજ પ્રવાસીઓની સુરક્ષા માટે તમામ સરકારી
વિભાગોના સંપર્ક નંબરો વિશે માહિતીગાર કરશે. જિલ્લામાં કઈ કઈ જગ્યાએ અકસ્માત ઝોન, બ્લેક સ્પોટ આવેલા છે, તે વિશે પણ સતર્ક કરશે. પોલીસ હેડ કવાર્ટર આહવા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાપુતારા હોટેલ એસોસિએશન ના પ્રતિનિધિ ઓ  પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ જિલ્લાની સંસ્કૃતિ ને ઉજાગર કરતા જિલ્લાના નૃત્ય સમૂહોના કલાકારોને રોજગાર મળી રહે તે માટે સંવાદ કરવામાં આવ્યો હતો.

આ સાથે જ ડાંગ જિલ્લા ગ્રામ રક્ષક દળના સભ્યો, નવરાત્રીનું આયોજન કરનાર નિર્ણાયકો તેમજ નવરાત્રી દરમ્યાન તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડનાર સાપુતારા હોટેલ એસોસિએશનના સભ્યો, તેમજ યુનિટી કન્સ્ટ્રક્શનને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post