એક તરફ ગુજરાત સરકાર દારૂબંધી ના નામે જશ ખાટી રહી છે, તો, બીજી બાજુ દારૂની હેરાફેરીમાં ભાજપનો હોદ્દેદાર ઝડપાતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બયડી ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે ભારતીય જનતા પાર્ટીના તાલુકા યુવા મોરચાના મહામંત્રી ની ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાતની ભુપેન્દ્ર પટેલની સરકાર એકબાજુ દારૂબંધીના નામે જશ ખાટી રહી છે, તો બીજી બાજુ દારૂની રેલમછેલ થઈ રહી છે, એટલું જ નહીં ભાજપના કેટલાક નેતાઓના સંબંધીઓ દારૂની હેરાફેરી કરતા અથવા તો, દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાના અનેક કિસ્સાઓ અવારનવાર સમાચારના માધ્યમોથી પ્રસારીત થતા હોય છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના બયડી ગામ પાસેથી ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહામંત્રીની ગાડીમાંથી પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 23 જુલાઈના રોજ ડેડીયાપાડા પોલીસને બયડી ગામથી મગર દેવ તરફ જવાના માર્ગે દારૂનો જથ્થો સપ્લાય થવાની બાતમી મળી હતી, તેથી મળેલ બાતમી ના આધારે બયડી ગામ પાસે પોલીસ વોચ ગોઠવી ઉભી હતી, ત્યારે રાત્રીના 3- 30 કલાકે સામેથી આવી રહેલી મારુતિ અર્ટિગા ગાડી નં. જીજે 22 એ 3554 કાર શંકાસ્પદ લાગતા તેને ઉભી રાખી ગાડીમાં બેઠેલા બે યુવકો નું નામ પૂછતાં તેમણે પોતાનું નામ અજય ચેતર ભાઈ વસાવા રહે. સોલિયા તા.ડેડીયાપાડા અને ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા યુવા મહામંત્રી નો હોદ્દો ધરાવતા હોવાનું અને બીજા યુવકે તેનું નામ સંતોષ હરિલાલ વસાવા રહે. સોલિયા, તા. ડેડીયાપાડા જિ. નર્મદા હોવાનું જણાવ્યું હતું.
પોલીસને શંકા જતા તેમની ગાડી ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી, આ સમગ્ર ઘટનાને મામલે 2.40 લાખના વિદેશી દારૂના જથ્થા તથા મોબાઈલ તેમજ એક અર્ટિગા ગાડી સહિત 8.30 લાખના મુદામાલ જપ્ત કરી બે યુવકોની ધરપકડ કરી હતી, દારૂની હેરાફેરીમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની સંડોવણી બહાર આવતા સમગ્ર ડેડીયાપાડા તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે સાથે જ કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા થયા છે, હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે જાણવા કવાયત હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590