વર્ષ 2016 ની સરખામણીમાં વર્ષ 2024 માં સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા લગભગ અઢી ગણી વધી છે. જેની સીધી અસર સુરત જિલ્લાના ચાર તાલુકાઓમાં પણ જોવા મળી રહી છે. એક વર્ષમાં 107 જેટલા પશુઓ પર દીપડાના હુમલા થયા છે. જેને ધ્યાનમાં રાખી હવે વન વિભાગ સુરત જિલ્લાના માંડવીમાં બ્રીડિંગ સેન્ટર અને રેસ્ક્યુ સેન્ટર બનાવવા જઈ રહી છે. એટલું જ નહીં તમામ 107 જેટલા દીપડાઓ પર મોનીટરીંગ કરવા માટે હવે રેડિયો કોલર લગાડવામાં આવશે, જેના થકી દીપડાની પલ પલની મૂવમેન્ટ પર નજર રાખી શકાય.
દક્ષિણ ગુજરાતમાં એવા તમામ સ્થળ કે જ્યાં પહેલા દીપડા જોવા મળતા ન હતા, ત્યાં હાલ દીપડાની અવરજવર વધી છે. ખાસ કરીને જ્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અર્બન વિસ્તાર ગણાતા કામરેજ, પલસાણા, હજીરા અને જહાંગીરપુરા જેવા શહેરી વિસ્તારમાં પણ દીપડા લટાર મારતા જોવા મળે છે. જેની પાછળનું મુખ્ય કારણ છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો છે.
માત્ર સુરત જિલ્લામાં જ હાલના દિવસોમાં 104 જેટલા દીપડા છે. એક વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાની 24 જેટલી ઘટનાઓ બની છે, જ્યારે કેટલ એટેકની ઘટના 107 જેટલી છે. અનેકવાર દીપડા ગામડાઓમાં આવી જાય છે અને લોકો પર હુમલો પણ કરે છે. આ સાથે પશુઓ પર હુમલાની વાત કરવામાં આવે તો એક વર્ષ પહેલા જ્યારે માત્ર 21 કેટલ અટેકની ઘટના બની હતી, તે હવે વધીને 107 થઈ ગઈ છે. લોકો અને દીપડા વચ્ચે ઘર્ષણ ન થાય આ માટે હવે વન વિભાગ પણ એલર્ટ છે.
દક્ષિણ ગુજરાત દીપડાઓ માટે ખૂબ જ અનુકૂળ છે, કારણ કે અહીં સહેલાઈથી પાણી-આહાર સહિતની વ્યવસ્થા મળી જતી હોય છે. તેની પાછળનું મુખ્ય કારણ અહીંનો મુખ્ય શેરડીનો પાક છે. આજ કારણ છે કે અહીં દીપડાની સંખ્યામાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590