રાજપીપળામાં પ્રવેશેલી આ યાત્રામાં કોંગી અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા સહિત આગેવાનો યાત્રામાં જોડાયા
વહાબ શેખ, (નર્મદા) : 14 જાન્યુઆરી 2024 ના રોજ મણીપુરના ઇન્ફાલથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ 5600 કિ.મી નો પ્રવાસ કરી છોટાઉદેપુર જિલ્લા બાદ આજે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. મણીપુર થી મહારાષ્ટ્ર સુઘી નીકળેલ કૉંગ્રેસના પુર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજ રોજ પોતાના રાસ રસાલા સાથે નર્મદા જીલ્લામાં પ્રવેશ્યા હતા.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે ત્યારબાદ ગરૂડેશ્વર ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો સહિત સરદાર સરોવર નર્મદા ડેમના વિસ્થાપિતો દ્વારા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ભવ્ય સ્વાગત કર્યું હતું. ગરૂડેશ્વર ચોકડી ખાતે સરદાર સરોવર નર્મદા ડેમના 6 ગામોના અસરગ્રસ્તો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી
રાજપીપલા નગરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું આગમન થતા તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં પ્રવેશેલી આ યાત્રામાં કોંગી અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા સહિત અન્ય આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા. રાજપીપળાના ગ્રામજનો સહિત આજુબાજુના ગામના લોકો રાહુલ ગાંધીને જોવા ઉમટ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીએ હાથ હલાવી સૌનું અભિવાદન ઝીલ્યું હતું. રાજપીપળામાં સંતોષ ચોકડીથી શરૂ થયેલી હરસિધ્ધિ મંદિર સુધીની આ યાત્રા રોડ શોમાં ફેરવાઈ ગઈ હતી.
વડીયા જકાત નાકા, ગાંધી ચોક, સંતોષ ચાર રસ્તા, સફેદ ટાવર આંબેડકર ચોક, સહિત રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ રાહુલ ગાંધીએ રાજપીપળાના પ્રસિદ્ધ હરસિધ્ધિજી માતાના મંદિરમાં જઇ દર્શન કર્યા હતા. ત્યારબાદ આ યાત્રા કુંવરપરા ગામ ખાતે વિરામ અને લંચ બ્રેક માટે રોકાઈ હતી.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ખિસ્સા કાતરૂઓનો આંતક, રાજપીપળામાં પણ દસેક જેટલા કાર્યકરોના ખિસ્સા કપાયા
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં તસ્કરો પણ કાર્યકરો બની તરકટ મચાવી રહ્યા છે. જેમાં બોડેલી ખાતે યાત્રા દરમિયાન લગભગ એક ડઝન જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓના ખીસ્સા હળવા કર્યા હતા. જેમાં વડોદરાના કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે 45 હજાર રોકડા ગુમાવ્યા હતા. જ્યારે મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ડાયમંડની બુટ્ટી ગુમાવી હતી.
જ્યારે રાજપીપળા ખાતે યાત્રા દરમિયાન લગભગ આઠથી દસ જેટલા કોંગ્રેસ કાર્યકરોનાના ખિસ્સા કપાયા હતા જેમાં એસ.ટી. સેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ રણજીત તડવીના રૂ. 35000 જેટલા જ્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી નિલેશ વસાવાના 3700 અને મંત્રી અમિત વસાવાએ 10000 જેટલી રકમ ગુમાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590