તાપી કલેકટર ડો.વિપિન ગર્ગે જિલ્લામાંથી ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક ધોરણે દુર કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ તાપી કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્ય મોહન ઢોડિયા,જિલ્લા વિકાસ અધિકારી વિ.એન.શાહ,જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
તાપી કલેકટર ડો.વિપિન ગર્ગે જિલ્લામાંથી ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક ધોરણે દુર કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.આ સાથે કચેરીમાં આવતા કાગળો સુચારુ રીતે નોંધણી થાય અને તેનો સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ આવે તે મુજબ પગલાં લેવા જણાવ્યું હતું.ઉપરાંત સરકારી નાણાંની સઘન વસુલાત કરવા વિવિધ વિભાગોને સુચના આપી હતી.
ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા વાલોડ તાલુકામાં ઠેરઠેર ગેરકાયદેસર બાંધકામોને દુર કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે કલેકટર નું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને કલેક્ટરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. વધુમાં જિલ્લા પોલીસ વડાને પણ આવા લોકો સામે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જિલ્લા પોલીસવડાએ આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવા કટીબધ્ધ તા વ્યક્ત કરી હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં પદાધિકારીઓ તરફથી મળેલ પ્રશ્નો,નાગરિક અધિકાર,અધિકારીઓ-કર્મચારીઓને નિવૃત્તિ પેન્શન કેસો,એ.જી.ઓડીટ પારા,પડતર કાગળોનો નિકાલ,સરકારી વસુલાત,ખાતાકીય તપાસ,સાંસદ/ધારાસભ્યઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,આવાસ ના હપ્તાની ચૂકવણી જેવા મુદ્દાઓ ની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં કલેકટર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે,કોઈ વિભાગનો પ્રશ્ન છે કે કેમ ? તાપી જિલ્લા સહાયક માહિતી નિયામક નિનેશકુમાર ભાભોરે જણાવ્યુ હતુ કે, પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના મુદ્દે તાપી જિલ્લામાં અમુક દૈનિક, સાપ્તાહિક સહિતના અખબારો, પાક્ષિક અને માસિક સ્વરૂપે પ્રસિદ્ધ થતા હોય તેવા પ્રચાર-પ્રસારના માધ્યમો પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ તેમજ ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના નિયમોનું પાલન કરતા હોય તેમ જણાતું નથી.અમુક પ્રિન્ટ મીડિયા માત્ર PDF સ્વરૂપે અખબાર પ્રસિદ્ધ કરીને RNI ના નિયમોનું ઉલ્લંઘન કરે છે જે કાયદા મુજબ યોગ્ય નથી.અમુક લોકો પત્રકાર હોવા તરીકેના ખોટા પુરાવા દર્શાવી કે રજૂ કરી વિવિધ કચેરીમાં રુઆબ જમાવે છે.હાલમાં જ ઉપરોક્ત નિયમોને અનુસરતા ન હતા તેવા પત્રકારોને તાપી માહિતી ખાતાના વ્હોટ્સ એપ ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવ્યા છે.વધુમાં સંકલનના તમામ વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને વિનંતી કરી હતી કે, દરેક કચેરીના અધિકારીઓના સાથ અને સહકાર થકી ખોટી માંગણી કરવાના કિસ્સામાં પુરાવા પોલીસ કે માહિતી કચેરી ને આપવામાં આવે તો એવા ખોટા પત્રકારો કે જેઓ પત્રકારત્વને લાંછન લગાડે છે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. કેટલાક યુ ટ્યુબ ન્યુઝ ચેનલ, વેબ ન્યૂઝ ચેનલ તથા સોશિયલ મીડિયા ઉપર ન્યુઝ ચલાવતા અમુક વ્યક્તિઓ ખોટા પ્રેસ આઈ કાર્ડ ઈસ્યુ કરીને પત્રકાર તરીકે રોફ જમાવે છે. તાપી જિલ્લા સહાયક માહિતી નિયામકની આ વિનંતીને સંકલનના તમામ અધિકારીઓએ તાળીઓ સાથે વધાવી લીધી હતી.
તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.વિપિન ગર્ગે ઉપરોક્ત હકીકતને ધ્યાને લઈ વ્યારા તેમજ નિઝર પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને તાકીદ કરી હતી કે,તાપી જિલ્લામાં થી પ્રસિધ્ધ થતાં વર્તમાન પત્રો નિયમાનુસાર પ્રસિધ્ધ થાય છે કે નહીં તેમજ જરુર જણાય તેવા કિસ્સાઓમાં સખત અને યોગ્ય કાર્યવાહી કરવી.
જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે જણાવ્યુ હતુ કે,અયોગ્ય વર્તન અને ગેરકાયદેસર વર્તણુક કરતા હોય તેવા પત્રકારો સામે ચોક્કસ પુરાવા હોય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની સંકલનના તમામ અધિકારીઓને તેમણે ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590