રાષ્ટ્રની અસ્મિતા એવા તિરંગાને સલામી આપી મંત્રી કુંવરજી હળપતિ એ પોલીસ પરેડનું નિરીક્ષણ કરીને હર્ષ ધ્વનિ સાથે સલામી ઝીલી
પ્રાઉડ તાપી - વહાબ શેખ : આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ગરિમામય ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર સ્થિત જૂની સરકારી હાઈસ્કૂલના પટાંગણમાં જિલ્લા કક્ષાના ૭૭ માં સ્વાતંત્રતા પર્વની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ બેન્ડની સુરાવલી સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
દેશની આન, બાન, શાન, સન્માન અને રાષ્ટ્રની અસ્મિતા એવા તિરંગાને લહેરાવીને સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કરીને હર્ષ ધ્વનિ સાથે સલામી ઝીલી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પણ જોડાયા હતા.
૭૭ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીએ તાલુકાના વિકાસ કામો માટે ગરૂડેશ્વર તાલુકા મામલતદાર મનીષ ભોયને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. ઉપરાંત, સરકારની મહત્વકાંક્ષી સ્વામિત્વ યોજના અન્વયે ૨ મિલકતધારકોને મિલકતોના પુરાવા તરીકે પ્રોપર્ટી કાર્ડ પણ મંત્રી ના હસ્તે વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય કક્ષાએ રમત ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરી ઉપલબ્ધિ હાંસલ કરનારા ખેલાડીઓ નું સન્માન તેમજ વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી અને સેવા બદલ કર્મચારીઓ સહિત લોકોમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા તાલીમ આપતા યોગ સાધકોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવો એ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન માટે પ્રેરક સંદેશો પણ પાઠવ્યો હતો.
મંત્રીએ યોગ ટ્રેનરો અને શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત કરાયેલા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને રસપૂર્વક નિહાળ્યા હતા. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા બેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન ભીલ, સરપંચ મેઘનાબેન તડવી, રાજપીપળાના રાજવી પરિવારના રઘુવીરસિંહ અને માનવેન્દ્રસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધી સહિત જિલ્લા-તાલુકાના ઉચ્ચ અધિકારી-કર્મચારીઓ, પોલીસ વિભાગના જવાનો, શાળા-કોલેજના બાળકો, નાગરિકો આ પર્વમાં સહભાગી બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590