Latest News

તાપી જિ.પં.પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને ઉચ્છલ તાલુકા કક્ષાના મિલેટ મેળો યોજાયો

Proud Tapi 26 Oct, 2023 06:15 PM ગુજરાત

લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.

જિલ્લામાં મિલેટ ધાન્ય પાકો અંગે ખેડૂતો અને લોકોમાં જનજાગૃતિ ફેલાય તથા લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે જિલ્લા ખેતીવાડી કચેરી ના ઉપક્રમે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ખાતે  તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રિસર્ચ કૃષિ વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક અને અદ્યતન કૃષિ કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસાવાએ મિલેટ્સ નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે  મિલેટ ધાન્ય પાકો વિવિધ મિનરલ થી ભરપૂર હોય છે જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

વધુમાં ઉમેર્યુ હતું કે આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય પાકો લુપ્ત થતા જાય છે જેથી તેના  રોજિંદા જીવનમાં વ્યાપ વધારવા સરકારશ્રી તરફથી જન જાગૃતિ વધારવા માટે આ મિલેટ મેળાઓ યોજવામાં આવે છે જેનો આપણે લાભ લેવો જોઈએ.

કાર્યક્રમમાં મિલેટ્સ પાકો અને તાપી જિલ્લા મુખ્ય મિલેટ જુવાર પાક અંગે કેવીકે તાપીના વડા ડૉ.સી.ડી.પંડ્યાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે  આપણે પરંપરાગત પદ્ધતિથી કરતા આવ્યા છીએ  પરંતુ હવે આપણે યોગ્ય સ્ટ્રેટજી થી ખેત પધ્ધતી કરી વધુ ઉત્પાદન અને પોષણક્ષમ ભાવો મેળવવું જરૂરી છે. ડો.અર્પિત ઢોડિયા દ્વારા મિલેટસ પાકોમાં મુલ્ય વર્ધન અને તેના બજાર મૂલ્ય અંગે ખેડૂત મિત્રોને એક્સપર્ટ લેક્ચર આપ્યો હતો. તેમજ ડૉ.જાદવે પાક સંરક્ષણ અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે ખેતીવાડી અધિકારી  ચેતન ગરાસિયા સ્વાગત પ્રવચન થકી મિલેટ્સ ફેસ્ટીવલ અંગે જાણકારી આપી હતી. જેમાં મિલેટસના રોજીંદા જીવનમાં મહત્વ અંગે સમજ કેળવી હતી. તથા એવા અનાજ જેના ઉપયોગ થકી શરીરને ખરેખર પોષણ મળે છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી.
 
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને શાલ ઓઢાડી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.  આ સાથે વિવિધ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે એસેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ તાપી જિલ્લાના વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોના ખેતપેદાશોના સ્ટોલ પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

કૃષિ મેળામાં ધારાસભ્ય ડૉ.જયરામ ગામીત, તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,સરપંચ,ખેતીવાડી શાખા ના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post