વ્યારા તાલુકાના ભાટપુર ગામ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં ગાબડું પડી ગયું છે, ત્યારે પાણી છોડવામાં આવે તો આસપાસના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાની ભીતિ જોવા મળી રહી છે.
નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા ઉકાઈ જળાશય યોજના અંતર્ગત ઉકાઈ ડાબા કાંઠા નહેર બનાવેલ છે.ઉકાઈ ડાબા કાંઠા નહેર ના પાણીથી વ્યારા,મુસા,પાનવાડી, પનીયારી, ભાટપુર, અંધારવાડી, ટીચકપુરા,કોહલી, ખુશાલપુરા, બોરખડી, લોટરવા, માયપુર, દેગામા, બાજીપુરા, તિતવા,કહેર, બાલ્દા,સુરાલી, મઢી જેવા ગામોને લાભ મળે છે.
ત્યારે વ્યારા તાલુકાના ભાટપુર ગામ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ગાબડું પડી ગયું છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તેવામાં ઉપરવાસમાં પાણીનું પ્રમાણ વધી જાય અને નહેર માંથી પાણી છોડવામાં આવે તો નહેરની આસપાસ આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જવાની સંભાવના વધવા પામી છે. અને ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડે તેમ છે.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નજીકના વિસ્તારમાં જ ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ગાબડું પડી જવાના કારણે સિંચાઈ વિભાગના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.જો આવનાર સમયમાં ઉપરવાસમાંથી નહેર મારફતે પાણી છોડવામાં આવે અને આસપાસના વિસ્તારમાં આવેલ ખેતરમાં પાકને નુકસાન થાય તો તે માટે કોણ જવાબદાર રહેશે ?
તાપી જિલ્લામાં એક વર્ષમાં બનાવવામાં આવેલ અને રીપેરીંગ કરવામાં આવેલ તમામ નહેરોની તાપી જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે અને સ્થળ તપાસ કરવામાં આવે તો અનેક એજન્સીઓને અધિકારીઓના કરતું તો અને ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે. |
તેમજ અહીં પ્રશ્ન એ થાય છે કે, નહેરમાં ગાબડું પડી ગયું,હોવાની જાણ અધિકારીઓને છે કે નહીં ? કે પછી આ અંગેની જાણ હોવા છતાં પણ અજાણ હોવાનું ઢોંગ કરવામાં આવી રહ્યું છે ? વિભાગીય અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ગુજરાતની અંદર નહેરો દ્વારા સિંચાઈ માટે પાણીઓ પહોંચાડવામાં મુખ્ય હેતુ નહેર જ છે ,ખેડૂતોની કરોડરજ્જુ સમાન નહેરના પાણીઓ થી આઠ મહિનાની સિંચાઈ કરવામાં આવે છે ,ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આની અંદર પણ ભ્રષ્ટાચાર આચરવામાં કોઈ કરકસર છોડવામાં આવતી નથી!! |
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590