સુગર ફેક્ટરી દ્વારા સારા ભાવ નહીં ચુકવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી
વહાબ શેખ /નર્મદા : ધારીખેડા નર્મદા સુગર દ્વારા ૨૦૨૨ ૨૩ માં પીલાણમાં આવેલ શેરડીનો ફાઇનલ ભાવ નહીં ચૂકવાતા એક ખેડૂત સભાસદ દ્વારા ખાંડ નિયામક ગાંધીનગર ને લેખિતમાં રજૂઆત કરીને શેરડીના ભાવ ચુકવાય તેવી માંગ કરી હતી.આ અંગે મળતી વિગતો મુજબ કાંદરોજ ના ખેડૂત સભાસદ સુનિલભાઇ રમેશભાઈ પટેલે ખાંડ નિયામકને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે નર્મદા સુગર માં ચાલુ પીલાણ સિઝનમાં અવ્યવસ્થા ના થાય અને સમયસર પીલાણ થાય તેમજ શેરડીના ભાવ પાડવાના હેતુથી સુગરના સભાસદો પૈકી પાંચ સભ્યોની કસ્ટોડિયન કમિટીની રચના કરવામાં આવી છે.
આ કમિટી પૈકી ઘનશ્યામભાઇ પટેલે લાંબા સમયથી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ હાલની કસ્ટોડિયન કમિટીના જવાબદાર વ્યક્તિ હોવા છતાં જાહેરમાં બેજવાબદાર નિવેદનો કરીને સભાસદોમાં વિખવાદ થાય તેવું ભાષણ કરેલ છે. વટારીયા સુગર માં પણ હાલ કસ્ટોડિયન કમિટી હોવા છતાં ચાલુ સિઝન દરમિયાન રુ.૨૬૦૧ નો ભાવ પ્રતિ ટન મુજબ જાહેર કર્યો છે. પરંતુ ઘનશ્યામભાઇ પટેલ દ્વારા સોસિયલ મિડીયામાં નિવેદન કરવામાં આવ્યું હતું કે નર્મદા સુગર ને કોર્ટમાં લઇ જનાર કેટલાક વિઘ્નસંતોષી ઓ દ્વારા કોર્ટ કેસ પાછો ખેંચવામાં આવે તો શેરડીના ભાવ તાત્કાલિક પાડી શકાશે. ઘનશ્યામભાઇ પટેલ દ્વારા આવા ભડકાઉ નિવેદન તેમના મળતીયાઓ દ્વારા સોશિયલ મીડિયામાં મુકાવી તથા ધારીખેડા સુગરના નોટીસ બોર્ડ પર મુકાવી શેરડી પીલાણ સિઝન ૨૦૨૨ ૨૩ માં આવેલ શેરડીના ફાયનલ ભાવ ચુકવવામાં ઠાગાઠૈયા કરેલ હોવાનો આક્ષેપ આ રજૂઆતમાં કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યા મુજબ બહાર ના કાંટા પર વજન કરાવેલ શેરડીના વજનની સ્લીપ હાલના કસ્ટોડિયન કમિટીના સભ્યો ગ્રાહ્ય રાખતા નથી અને માત્ર મંડળીના કાંટા પર થયેલ વજન જ ગ્રાહય રાખે છે. મંડળીના વજનકાંટા અને બહારના કાંટા પર થયેલ શેરડીના વજનમાં મોટો તફાવત આવતો હોવાનો આક્ષેપ કરીને આ બાબતે પણ તપાસની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત મંડળીના મેનેજિંગ ડિરેક્ટર ની જગ્યા પર સંસ્થાના એસ્ટેટ મેનેજર ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે, તેમને અન્ય નાણાકીય વિભાગના વહિવટનો અનુભવ ન હોય સંસ્થાને આર્થિક નુકશાન થતું હોવાનું પણ રજુઆતમાં જણાવ્યું હતું. નર્મદા સુગરની કસ્ટોડિયન કમિટી દ્વારા સુગર ફેક્ટરીના સભાસદો અને સંસ્થાના હિત માં ચાલુ વર્ષની પીલાણ થયેલ શેરડીના સારા ભાવ ચુકવાય નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ બાબતે સુનીલ પટેલે જણાવ્યું હતું કે શ્રી નર્મદા ખાંડ ઉધોગ સહકારી મંડળી લી. કસ્ટોડીયન કમિટીના સભ્ય દ્વારા શેરડીના ભાવ પાડવા બાબતે સોશિયલ મીડીયામા જે સભાસદ જોગ સંદેશો વાયરલ કરેલ છે જેને હુ સખત શબ્દોમાં વખોડું છું. હકીકતમાં ધારીખેડા સુગર ફેક્ટરી માં નવા નિમાયેલ કસ્ટોડીયન કમિટી સામે ગુજરાત હાઈકોર્ટ માં કોઈ પણ પ્રકારનો વિવાદ દાખલ થયેલ નથી, તા.૧૨.૪.૨૩ ના રોજ ગુજરાત હાઈકોર્ટ માં મૂદ્ત હોય તે તારીખે ચૂંટણી અંગેની મેટર છે. અને વધુ માં જણાવવાનું કે તા.૪.૩.૨૩ ના રોજ સરકાર દ્વારા થયેલ પરિપત્ર માં સ્પષ્ટ જણાવેલ છે કે પિલાણ સીઝન ચાલુ હોય તેમાં કોઈ અવ્યવસ્થા ન થાય અને સમયસર પિલાણ પુરૂ થાય તેમજ શેરડી પકવતા સભાસદોના હીતમા ભાવ પાડવાના હેતુથી કસ્ટોડીયન કમિટીની રચના કરેલ છે.આ બાબતે સભાસદો અને સંસ્થાના રૂપિયે રમતો રમવાનું બંધ થાય, સભાસદોને ગેરમાર્ગે દોરવાનું ભુલી જાવ હવે સભાસદો તમને ઓળખે છે તેમ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590