Latest News

સોનગઢના જાગૃતિ હાઇસ્કૂલ માંડળ ખાતે "વિશ્વ સિકલસેલ દિવસ” ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ

Proud Tapi 19 Jun, 2024 03:12 PM ગુજરાત

ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી. એન. શાહના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકાના જાગૃતિ હાઇસ્કૂલ માંડળ ખાતે "વિશ્વ સિકલસેલ દિવસ” ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે જણાવ્યું કે,એનિમિયા જેવા વારસાગત રોગને નવ દંપત્તી લગ્ન જીવનમાં જોડાતા પહેલા ખાસ પરામર્શ અને જાગૃતતા કેળવીને અટકાવી શકે છે. તાપી જિલ્લામાં અંદાજીત 3 હજારથી વધુ સિકલસેલના દર્દીઓ છે, જેઓની યોગ્ય નિદાન-સારવાર માટે જિલ્લા આરોગ્ય તંત્ર નિઃસ્વાર્થ ભાવે ફરજ બજાવી રહ્યું છે. વધુમાં શાહે ઉમેર્યું કે, જિલ્લામાં કુલ ૯૪ ટકા લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે અને આગામી દિવસોમાં સો ટકા સ્ક્રીનીંગ પૂર્ણ કરાશે.

સિકલસેલ એનિમિયાના આનુવંશિક રોગને જળમૂળથી સમાપ્ત કરવા માટે સૌ પ્રથમ આપણે સૌએ જાગૃત થવું પડશે. સિકલસેલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા તેમજ શિક્ષણ અને સંસ્થાઓના સહયોગથી આ રોગને નિયંત્રિત કરી શકાય છે.જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સિકલસેલ રોગના લક્ષણો, નિદાન, સારવાર, ખોરાક તેમજ દર્દીઓએ રાખવાની તકેદારી અંગે સમજણ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, મે ૨૦૨૪ દરમિયાન સિકલસેલ અંતર્ગત થયેલ સ્ક્રીનીંગ ટેસ્ટ કુલ વસ્તી ૮,૭૮,૨૨૩ સામે ૮,૨૫,૭૭૩ (૯૪%) જેટલી સ્ક્રીનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાંથી સ્ક્રીનીંગ કરેલ વ્યક્તિઓમાંથી ૭૯૩૩૩ (૯.૬૧%) પોઝીટીવ નોંધાયા હતા. તે પૈકી સિકલસેલ રોગનાં ૩૩૦૫ (૦.૪૦%) દર્દીઓ  અને ૬૬૭૪૩ (૮.૦૮%) સિકલસેલના વાહક નોંધાયેલ છે. 

તાપી જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે DTT Screening  (Dithionite Tube Turbielity ) તેમજ જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે HPLC Test (High Performance Liquid Chromatography ) ની સુવિધા ઉપલબ્ધ છે. સિકલસેલ રોગના દર્દીઓ માટે ફોલીક એસીડની ગોળી આશા,પેરામેડિકલ સ્ટાફ, સિકલસેલ કાઉન્સેલર દ્વારા આપવામાં આવે છે. 

સિકલસેલ મિશન ૨૦૪૭ અંતર્ગત ૧૯ જુન ના રોજ “વિશ્વ સિકલસેલ દિવસ” નો જિલ્લા કક્ષાનો અવેરનેશ કાર્યક્રમ આરોગ્ય વિભાગ-તાપી અને ટ્રાઇબલ સબપ્લાન સોનગઢ દ્વારા જાગૃતિ હાઇસ્કૂલ માંડળ ખાતે યોજાયો હતો. 

આ કાર્યક્રમમાં સોનગઢ મામલતદાર,સોનગઢ સી.એચ.સી.,પી.એચ.સી સેન્ટરના અધિકારી કર્મચારીઓ,જાગૃતિ હાઇસ્કૂલ માંડળના પ્રમુખશ્રી,સંચાલકો,શિક્ષકો,વિદ્યાર્થીઓ તથા અન્ય વિભાગમાંથી પધારેલા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post