લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા સંદર્ભે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉધના ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે મીડિયાના માધ્યમથી રાષ્ટ્રભક્તિના રંગમાં રંગતા આ અનોખા અવસરમાં સહભાગી થવા સુરતવાસીઓને અપીલ કરી હતી. રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાના મહાઅભિયાનને સાર્થક કરવાની મહાયાત્રા એટલે તિરંગા યાત્રા એમ જણાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ સંકલ્પને આગળ વધારવા માટે છેલ્લા બે વર્ષથી સ્વતંત્રતા દિવસ ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાના આયોજનથી એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી
દેશના હજારો ગામડાંઓ અને શહેરોમાં રાષ્ટ્રભાવના સાથે આ અવસરની ઉજવણી થઇ રહી છે, ત્યારે સુરત ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તા.૧૧મીએ રવિવારે સાંજે ૬.૦૦ વાગે પીપલોદના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. યાત્રાના રૂટમાં ૧૦ જેટલા સ્ટેજ બનાવવામાં આવશે,જેમાં વિવિધ વાદ્ય જૂથો દ્વારા સંગીતની સુરાવલિઓ સાથે દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે,વાય જંકશનથી શરૂ થનારી તિરંગાયાત્રામાં પ્રથમ સ્કેટિંગના રમતવીરો, સાયકલિસ્ટો, પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોક વાઈઝ એસોસિયેશનોના પ્રતિનિધિઓ, કોલેજ-શાળાઓના વિધાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડના કર્મીઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે તિરંગાયાત્રામાં જોડાશે. આ ઉપરાંત ભારત ભારતી સંસ્થા હેઠળ સમગ્ર ભારતના ૧૫ રાજયોના સુરત વસતા નાગરિકો પોતાની પરંપરાગત વેશભુષામાં સજ્જ થઈને તિરંગાયાત્રામાં જોડાઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ઉકિતને સાકારિત કરશે. સંઘવીએ જણાવ્યું કે, હજારો યુવાનો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ આઝાદ રાષ્ટ્ર એવા ભારતમાં મુક્તપણે શ્વાસ લઈ શકે છે.
રાષ્ટ્રધ્વજની આચારસંહિતામાં સુગમ બદલાવ કરીને કેન્દ્ર સરકારે કોઈ પણ સ્થળે, રાતદિન રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સ્વતંત્રતા આપી છે, ત્યારે વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહથી જોડાવા અનુરોધ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઇ માવાણી, શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ, અરવિંદરાણા, મનુભાઇ પટેલ, કાંતિભાઈ બલર ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590