મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૧૧ દીકરીઓની લાગણીસભર વિદાય
સવાણી પરિવાર દ્વારા ‘પિયરીયું’ નામે ૧૬મા વર્ષે લાગણીભીનો લગ્નોત્સવ: મહેશભાઈ સવાણી હવે ૫૨૭૪
દીકરીઓના પાલક પિતા બન્યા
સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘પિયરીયું નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી ૧૧૧ દીકરીઓનો અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું.તેમજ પિયરીયું છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી દીકરીઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા.
લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂ. મોરારીબાપુ, મંત્રીઓ, વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ, શરણાઈ અને સંગીતની સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી ૧૧૧ દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા ૧૬ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૫૨૭૪ દીકરીના પિતા બની ગયા છે. વર્ષ ૨૦૧૧ થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે.
પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે એમ જણાવી
મુખ્યમંત્રીએ છેલ્લા ૧૬ વર્ષમાં લગ્ન થયેલી પિતાવિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે, પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે, અન્યએ કમાયેલું ખાવું એ વિકૃતિ છે, પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અર્જિત કરેલી સદ્દસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતાવિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગમાં લેવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરે છે.
તેમણે જણાવ્યું કે,જેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર તેમજ પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશ એવી ઓળખ બની ગઈ છે. આ સમરસતા, સંવેદના અને એકતાની ભાવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરે છે. એટલું જ નહીં, લગ્નમાં ૫૦,૦૦૦ તુલસીના છોડનું વિતરણ એ સામાજિક કાર્યો સાથે પર્યાવરણ સંરક્ષણની ઉદાત્ત સંવેદનાના દર્શન કરાવે છે એમ જણાવી ૫૨૭૪ દીકરીઓના પાલક પિતા બનેલા મહેશભાઈને શુભેચ્છા પાઠવી હતી.
પ્રખ્યાત રામકથાકાર પૂ. મોરારીબાપુએ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું હતું.મોરારી બાપુએ કહ્યું કે,હિન્દુ ધર્મમાં થતા સંસ્કારોમાં આ એક જીવંત અને મહત્વનો સંસ્કાર છે. સવાણી પરિવારે કાસ્ટ નહીં રાષ્ટ્રને જોઈ સમૂહલગ્ન કરાવી રહ્યા છે.સમૂહલગ્નનો ઉત્સવ અને તેમાં પણ દીકરીઓની આજીવન જવાબદારી લેવી એ સાધુ કાર્ય સમાન છે એની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે,સમૂહ લગ્નોત્સવ પરંપરા ભગવાન શ્રીરામના પ્રાચીન કાળમાં શરૂ થઈ હતી. એ આદિ અનાદિ કાળથી શરૂ થયેલી પ્રથા છે, જે આજે પણ જીવંત રહી છે, જેના સવાણી પરિવારના આંગણે દર્શન થયા છે. લોકોને સુધારવા કરતા સ્વીકારવા એ અતિ આવશ્યક છે. મહેશભાઈ સવાણીએ દીકરીઓને સ્વીકારી છે.
આ પ્રસંગે પી.પી. સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, બે દીકરીઓથી શરૂ કરેલો
લગ્નોત્સવ આજે ૧૬મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. આ સમૂહલગ્ન નહીં, પણ લગ્નોત્સવ છે. કારણ કે કોઈ પરિવારમાં જેમ મહેંદી રસમ, મંડપમુહૂર્ત, કરિયાવર જેવી પ્રાચીન પ્રથા-રસમો યોજાય છે તેમ અહીં તમામ રસમોની ઉજવણી કરવામાં આવે છે. સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે. દીકરીઓને શિખામણ આપતા મહેશભાઈએ કહ્યું કે, સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે. સૌને સાથે રાખી એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દામ્પત્યજીવનને ઉજાળજે.
હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. કોઈ જમાઈનું અવસાન થાય તો દીકરીને આજીવન મહિને રૂ.૧૦ હજારની આર્થિક સહાય આપીએ છીએ.
આ કાર્યક્રમને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એક જ સમયે એક જ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ, લગ્નસમારોહમાં ૩૭૦ ફૂટ લાંબુ તોરણ અને કુલ એક જ સ્થળેથી તબક્કાવાર ૫૨૭૪ દીકરીઓના લગ્ન એમ ત્રણ રેકોર્ડ બન્યા હતા, જે બદલ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમે હાજર રહી સર્ટિફિકેટ એનાયત કર્યું હતું.
આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ ૫૦,૦૦૦ તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડથી લોકોને પ્રેરિત કરાયા હતા.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રયોશા પ્રતિષ્ઠાન- ડાંગના પી.પી.સ્વામી, સંત ઇન્દ્રભારતીજી, શેરનાથ બાપુ, ગિરીબાપુ,નૌતમ સ્વામી, સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી, સહિત અગ્રણી મહાનુભાવો, સંતો મહંતો, સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590