Latest News

તાપી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ

Proud Tapi 22 Jul, 2023 04:59 AM ગુજરાત

તાપીના પ્રવાસન સ્થળો ઉપર સહેલાણીઓ માટે આકર્ષક  ઈનડોર ગેમ એક્ટિવિટી શરૂ કરાશે. : કલેકટર ડો.વિપિન ગર્ગ 

તાપી જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક તા.૨૦ જુલાઈના રોજ સાંજે ૪ કલાકે કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજ વસાવા,ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીત,મોહનભાઇ કોંકણી,મોહનભાઈ ઢોડિયાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં તાપી જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે અમલીકરણ અધિકારીઓ સાથે વિકાસ કામોની સમીક્ષા હાથ ધરાઈ હતી. 
                
તાપી જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અને સહેલાણીઓના આકર્ષણ માટે કલેકટરે  પ્રવાસન સ્થળો ઉપર ઈનડોર ગેમ કેરમ,ચેસ વિગેરે રમી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવા અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું હતું.વધુમાં તાપી જિલ્લાની શાન એવા સોનગઢના ઐતિહાસિક કિલ્લા ઉપર મહારાજા શિવાજી મહારાજનો ઈતિહાસ લોકોને જાણવા મળે તે માટે પ્રવાસીઓ માહિતીગાર થાય તેવા સાઈનબોર્ડ મુકવા જણાવ્યું હતું.વધુમાં પાર્કિંગ એરિયા સહિત પ્રવાસન સ્થળોની જાળવણી, સ્વચ્છતા વિગેરે ગ્રામ પંચાયતો સાથે મુલાકાત કરી સ્થાનિક લોકોની સમિતિ બનાવી સારસંભાળ રાખવા કલેકટર ગર્ગે અનુરોધ કર્યો હતો તેમજ પ્રવાસીઓ પાસે એન્ટ્રી ફી,પાર્કિંગ ફી વિગેરે પ્રવાસન સમિતિમાં મંજૂર કરાવી વસુલવા માટે સૂચન પણ કર્યું હતું. 
           
જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજ વસાવાએ ધારેશ્વર અને તાપીખડકા ખાતે રીવરફ્રન્ટ બનાવી દરખાસ્ત રજુ કરવા જણાવ્યું હતું.જે બાબતે કલેકટર ડો.વિપિન ગર્ગે રીવરફ્રન્ટ ઉપર આવતા પ્રવાસીઓના ફોટોગ્રાફ્સ સહિત કેટલા અંતરે આવેલું છે જેની વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચન કર્યું હતું.
 
૧૭૧- વ્યારા  ધારાસભ્ય મોહન કોંકણીએ ઈકો ટુરિઝમ સેન્ટર ઘુસ્માઈ માડી,પદમડુંગરી ખાતે પ્રવાસીઓ પાસેથી રોજીંદા રૂા.૨૦ અને શનિ-રવિ માટે રૂા.૫૦ વસુલવામાં આવતા દરની અસમાનતા રજુ કરી હતી.જેથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાની રજૂઆત કરી હતી.જે બાબતે કલેકટરે  સમિતિમાં મંજૂર કરાવી વસુલાત કરવા વનવિભાગને સૂચના આપી હતી. 
        
૧૭૨-નિઝર ધારાસભ્ય ડો.જયરામ ગામીતે થુટી-સેલુડ-નાનછલ પ્રવાસન સ્થળોને વિકસાવવા અનુરોધ કર્યો હતો.જ્યારે ૧૭૦- મહુવા ધારાસભ્ય મોહન ઢોડિયાએ બુહારી તળાવના બ્યુટીફિકેશન માટે રચનાત્મક સૂચનો આપ્યાં હતા.તેમજ આર્કિટેક સહિત સ્થાનિક લોકોને સાથે રાખીને બુહારી તળાવને રળિયામણું બનાવવા રજૂઆત કરી હતી.સાથે સાથે વિકાસ કામના પ્રમાણમાં ખર્ચનું સમયસર ચૂકવણુ પણ થાય તો કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે એમ જણાવ્યું હતું. 
             
નિવાસી અધિક કલેકટર આ.જે.વલવીએ પ્રવાસન સ્થળોની માહિતી આપતા કહ્યું હતું કે ઈકો ટુરીઝમ આંબાપાણી અંદાજીત રૂા.૨૯૬.૬૭ લાખ કામગીરીના અનુસંધાને ખર્ચ ૨૭૬.૬૫ લાખ,ડોસવાડા ડેમ ૧.૭૩ કરોડ પૈકી સીવીલ વર્ક ૧૨૬ લાખ અને ઈલેકટ્રીકલ વર્ક રૂા.૧૫.૪૩ લાખ ખર્ચ, કર્દમેશ્વર મહાદેવ મંદિર,બાલપુર કુલ ગ્રાન્ટ રૂા. ૨.૨૧ કરોડ પૈકી ખર્ચ રૂા.૧.૭૩ કરોડ, ઈકો ટુરીઝમ સેન્ટર ગુસ્માઈ માડી મંદિર પદમડુંગરી કુલ ગ્રાન્ટ રૂા.૧.૯૪ કરોડ પૈકી રૂા.૧.૨૪ કરોડ ખર્ચ, રામચંદ્રજી બિલ્કેશ્વર મંદિર બુહારી માટે કુલ ગ્રાન્ટ રૂા.૧.૯૬ કરોડ પૈકી રૂા.૧.૩૪ કરોડ ખર્ચ જેમાં બાકી રહેતી કામગીરી માટે રીનોવેશન, કંપાઉન્ડવોલ, ગેટ-૨, મંદિર શિખરની કામગીરી માટે ટેન્ડરીંગ કરવામાં આવેલ છે. બુહારી તળાવ ના વિકાસ માટે કુલ ગ્રાન્ટ રૂા.૨૦૦ લાખ પૈકી વર્ક ઓર્ડર મુજબ કામગીરી ખર્ચ રૂા.૧.૩૬ કરોડ જેમાં ૨૧.૮૩ લાખનો રકમના જથ્થામા વધારો થતા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચકાસણી કરવાતા રૂા.૨૦.૫૩ વધારો થયેલ છે.જેથી કુલ ખર્ચ રૂા.૧.૫૭ કરોડ થવા પામેલ છે.સોનગઢ કિલ્લો કુલ ગ્રાન્ટ રૂા.૪ કરોડ પૈકી ૨.૬૦ કરોડ ખર્ચ થયેલ છે. જેના ફીનીશિંગની  કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીના આર્કિટેક્ટ બેઠકમાં ઉપસ્થિત રહેતા ન હોય તેઓની નિમણૂંક રદ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા કલેકટરે તાકીદ કરી હતી.   
          

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post