Latest News

સુરત પોલીસ દ્વારા તેરા તુઝ કો અર્પણ

Proud Tapi 21 Jul, 2024 01:02 PM ગુજરાત

૨૨ પીડિતો પાસેથી વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલ્કતો, ગાડીઓ અને દાગીના મૂળ માલિકોને પરત કરાયા

સુરત શહેરમાં ભાઈગીરીને કોઈ સ્થાન નથી: ભાઈને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે

પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણને ડામવાનું કાર્ય કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય :ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે સુરત શહેર પોલીસ છેલ્લા બે વર્ષથી વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાન ચલાવી રહી છે. જે અંતર્ગત વ્યાજખોરો દ્વારા પડાવી લેવામાં આવેલી મિલકતો,જણસોને મૂળ માલિકોને પરત આપવાના ઉમદા હેતુ સાથે સુરત પોલીસ દ્વારા આયોજિત તેરા તુઝ કો અર્પણ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતના વ્યાજખોરોએ પચાવી પાડેલી ૨૨ પીડિતોની મિલ્કતના કાગળો,દાગીના અને ગાડીઓ આ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી.આ પ્રસંગે વન,પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને વ્યાજખોરો આતંક-ત્રાસથી બચાવવાના અભિયાનની શરૂઆત ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. 

પોલીસે રાજ્યના ખુણે ખુણેથી વ્યાજખોરોને શોધીને શોધીને કાયદાકીય કાર્યવાહી કરીને જેલના હવાલે કરી પીડીતોને ન્યાય અપાવી પોતાની નૈતિક ફરજ અદા કરી છે.  ગૃહરાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સામાજિક જીવનમાં નાગરિકોને નાની મોટી તકલીફોમાં સગા-સંબંધીઓ પાસેથી મદદ લેવાની વર્ષો જૂની પરંપરા રહી છે. પરંતુ આ માનવતાના સંબંધને લાંછન લગાડી વ્યાજખોર દાનવોએ ગરીબ, મધ્યમવર્ગીય લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેને ડામવા ગુજરાત પોલીસે પહેલ કરી છે. પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણને ડામવાનું કાર્ય કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ઉપરાંત, નાગરિકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવવા અને વ્યાજના વિષચક્રમાંથી મુક્તિ અપાવવા માટે લોનમેળા તેમજ લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે.

સંઘવીએ કહ્યું કે, માતા-બહેનોનું આસ્થાનું સૌથી મોટુ પ્રતિક મંગળસૂત્ર હોય છે. રાજ્યના ગરીબ નાગરિકોને ઘર, ગાડી અને દાગીના પરત આપવાની સરાહનીય કામગીરી અંતર્ગત ગત વર્ષે હજ્જારો બહેનોને પ્રાણ સમાન પ્રિય એવા ઘરેણાં સહિત કિંમતી જણસો વ્યાજખોરો પાસેથી સ્વમાનભેર પરત અપાવવાનું કાર્ય ગુજરાત પોલીસે કર્યું છે.

વ્યાજના દૂષણમાં ક્યારેય ફસાવ ત્યારે ડર્યા વગર સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો એમ નાગરિકોને અનુરોધ કરતા તેમણે ઉમેર્યું કે, સમાજ જીવનમાં શાંતિ અને સલામતિ જાળવવા અને વ્યાજખોરોને પાઠ ભણાવવામાં રાજ્યના નાગરિકોએ જાગૃત થવું પડશે. પરિવાર જોડે સુખી જીવન જીવી શકે તે માટે રાજ્યના નાગરિકોને ટકોર કરતા સંઘવીએ કહ્યું કે,આજના આધુનિક જમાનામાં સગા-સંબંધીઓ એકબીજાની ગેરેન્ટી નથી લેતા ત્યારે રાજ્ય સરકારની સ્વનિધિ યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી સેંકડો કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા આગ્રહ કર્યો હતો. તેમજ કોઈ પણ કાળે વ્યાજખોરો પાસે વ્યાજે નાણાં ન લેવા અપીલ ગૃહરાજ્યમંત્રી કરી હતી.

સુરત શહેરમાં ભાઈગીરીને કોઈ સ્થાન નથી,ભાઈને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે એમ ગૃહમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું. ગુજરાતમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી લડાઈમાં ડ્રગ્સ માફિયાઓ પાસે બે રસ્તાઓ જ છે,ગુજરાતમાં રહેવા માટે સીધા રસ્તે ચાલવું પડશે નહી તો ગુજરાતને છોડવું પડશે એમ જણાવી મંત્રીએ દેશના ડ્રગ્સ કેપિટલ રાજ્ય કરતા પણ વધારે ઓપરેશન પાર પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે ત્યારે આ ઈતિહાસ રચવા બદલ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસે તા.૨૧મી જૂનથી ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો વિરૂધ્ધ વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં છેલ્લા એક મહિનામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ૧૨૦ અરજીઓ મળી હતી,જેમાંથી  ૯૦ આરોપી સામે એફ.આઈ.આર.પણ દાખલ કરવામાં આવી છે.જે વિસ્તારમાં વ્યાજખોરોનું દૂષણ વધુ હોય તેવા સ્થળોએ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.વ્યાજખોરીના દૂષણને નાથવા સુરત પોલીસ દ્વારા લોકદરબાર,નાટકો,જનજાગૃતિ માટે શોર્ટ ફિલ્મ,સોશિયલ મીડિયાના માધ્યમથી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી,ધારાસભ્યો સંદિપભાઈ દેસાઈ અને પ્રવિણભાઈ ઘોઘારી,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, જોઈન્ટ પોલીસ કમિશનર (સેકટર -૧) વબાંગ જમીર,સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) રાઘવેન્દ્ર વત્સ,નાયબ પોલીસ કમિશનર (ઝોન-૪) વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) બી.પી.રોજીયા સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, વ્યાજપીડિતો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post