સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલા સીટી લાઈટ સ્થિત ફ્લાયઓવર બ્રિજ ચઢતી વખતે પુરપાટ ઝડપે દોડી આવેલા ઇનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ધોરણે અકસ્માતનો ગુનો દાખલ કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં ગંભીર બેદરકારી કોની છે તેની તપાસ ખટોદરા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં અવારનવાર ગંભીર અકસ્માતોની ઘટના બની રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા અકસ્માતોની ઘટના અટકાવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અકસ્માતોની ઘટના અટકાવવા માટે સમયાંતરે સેમીનારો પણ યોજવામાં આવી રહ્યા છે. છતાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં બની છે.
મળતી માહિતી મુજબ, ગત રોજ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ સુરતના સીટી લાઈટ ખાતે આવેલા અણુવ્રત દ્વાર પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર ચઢતી ટ્રકની પાછળ પુરપાટ ઝડપે દોડી આવેલી ઇનોવા કાર ધડાકાભેર રીતે ભટકાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ ઇનોવા કારના ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનામાં ઇનોવા કારનો કચ્ચરધાણ વળી ગયો હતો. ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ખટોદરા પોલીસે લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક મોહમ્મદ કલામની ધરપકડ કરી હતી. ખટોદરા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રક ચાલક ફ્લાયઓવર બ્રિજ ચઢી રહ્યો હતો. તે વેળાએ પાછળથી આવી ચઢેલા 19 વર્ષીય ક્રિશ લાખાણીએ પોતાની ઇનોવા કાર ધડાકાભેર રીતે ટ્રક સાથે ભટકાવી દીધી હતી. જેમાં ઘટના સ્થળે તેનું કરુણ મોત થયું હતું. જે ઘટનામાં હાલ ટ્રકના ચાલક મોહમ્મદ કલામની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાઈ રહી છે. જે ફુટેજના આધારે ખરેખર બેદરકારી કોની છે તેની પણ તપાસ કરાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590